જામનગરમાં જર્જરિત અને જોખમી મકાનો સામે મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. નેશનલ ગેસ્ટ હાઉસની પાછળ આવેલું અતિ જર્જરિત મકાનનો એક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવ્યા બાદ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે.
મકાનની સ્થિતિ જોખમી હોવાના કારણે આસપાસના વિસ્તારમાં મોટી દુર્ઘટનાની શક્યતા ઊભી થઈ હતી. ઘટનાને ધ્યાને લઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્થળની સ્થિતિનું નિરીક્ષણ કરી જર્જરિત મકાનનો જોખમી ભાગ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે.
આ કામગીરી દરમિયાન એસ્ટેટ શાખા તેમજ ટી.પી. શાખાના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. સાથે જ મહાનગરપાલિકાના આશરે ૧૦ જેટલા કર્મચારીઓની ટીમ દ્વારા મકાનનો જોખમી હિસ્સો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જર્જરિત મકાનનો ભાગ વધુ તૂટી પડે અને તેના કારણે આસપાસના લોકો કે રાહદારીઓને નુકસાન ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાની આ કામગીરીથી સંભવિત મોટી દુર્ઘટના ટાળવામાં મદદ મળશે અને આસપાસના નાગરિકોની સુરક્ષા જળવાઈ રહેશે.
View this post on Instagram


