જામનગરમાં જૈનોના પર્યુષણ મહાપર્વ એવા સવંત્સરી પર્વની ગઇકાલે ઉજવણી કરવામાં આવી હતી. મિચ્છામી દુક્કડમ્ કર્યા બાદ આજે તપસ્વીઓના પારણા યોજાયા હતા. પારણા બાદ સવારે તપસ્વીઓનો વરઘોડો યોજાયો હતો.
જૈન સમાજ દ્વારા ગઇકાલે સવંત્સરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવંત્સરી નિમિત્તે દેરાસરો, ઉપાશ્રયોમાં પૂજા-અર્ચના, સાધુ-સાધ્વીજીઓના વ્યાખ્યાન, પ્રતિક્રમણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારબાદ સમગ્ર વર્ષ દરમયાન જાણતા-અજાણતા થયેલ મનદુ:ખ, પાપોની માફી માંગી ‘મિચ્છામી દુક્કડમ્’ કર્યા હતા. ગઇકાલે સવંત્સરી પર્વની ઉજવણી કરવામાં આવ્યા બાદ આજે સવારે તપસ્વીઓના પારણા યોજાયા હતા. પારણા બાદ તપસ્વીઓનો વરઘોડો યોજાયો હતો.
View this post on Instagram
જામનગરમાં પર્યુષણ પર્વ દરમ્યાન શહેરમાં સ્થાનકવાસી અને દેરાવાસીમાં ત્રણ ઉપવાસથી લઇ વરસી તપ સહિતની તપશ્ર્ચર્યાઓ કરવામાં આવી હતી. વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ, જ્યોતિ-વિનોદ જૈન ઉપાશ્રય-જામનગરમાં પ.પૂ. આચાર્ય દેવ મેઘદર્શન સૂરીશ્વરજી મ.સા.આદીઠાણા તથા પૂજ્ય સા. જયરત્ના શ્રીજી મ.સા.ની પાવન નિશ્રામાં એક સિદ્ધિ તપ, ત્રણ 30 ઉપવાસ, દસ 16 ઉપવાસ, નવ 11/12 ઉપવાસ, નેવું 7/8/9 ઉપવાસ, છ 4/5/6 ઉપવાસ, એક્સો પાંચ 3 ઉપવાસ તથા અઠ્ઠાવીસ 64 પહોરી પૌષધની તપશ્ચર્યા થઇ હતી. ચાંદીબજાર-જૈન સંઘમાં કુલ 21 ઉપવાસ, કે.ડી.શેઠ ઉપાશ્રયમાં કુલ 22 ઉપવાસ, જૈન હાલારી સંપ્રદાય-પટેલ કોલોની ઉપાશ્રયમાં 15 ઉપવાસ, સ્વ. મ.મુ.મહેતા-જૈન પ્રવાસી ગૃહમાં 6 ઉપવાસ, તેજપ્રકાશમાં 3 ઉપવાસ, રણજિતનગર ઉપાશ્રયમાં 13 ઉપવાસ સહિત 80 તપસ્યાઓ થઇ હતી.
આ તમામ તપસ્વીઓનો આજે સવારે પારણા બાદ વરઘોડો યોજાયો હતો. શહેરના ચાંદીબજાર ખાતે આવેલ દેરાસર ખાતેથી આ વરઘોડો પ્રારંભ થયો હતો. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળતાં ધર્મોત્સવ જેવો માહોલ છવાયો હતો.


