Saturday, September 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં યોજાયેલ લોકઅદાલતમાં કુલ 3796 કેસોનો નિકાલ - VIDEO

જામનગરમાં યોજાયેલ લોકઅદાલતમાં કુલ 3796 કેસોનો નિકાલ – VIDEO

પ્રિલીટીગેશન અને લોકઅદાલતમાં કુલ રૂા.11,67,55,049નું સેટલમેન્ટ

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર અને નાલ્સા (NALSA) ના એક્શન પ્લાન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા શનિવારે જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં ‘નેશનલ લોક અદાલત’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 9600 કેસો મુકાયા હતાં જે પૈકી 3796 કેસોનો નિકાલ કરાયો હતો.

- Advertisement -

જામનગરમાં જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા જિલ્લા અદાલત તથા તેના તાબાની તાલુકા સહિતની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે ફોજદારી સમાધાનપાત્ર કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના ચેક રિટર્નના કેસો, બેંક રિકવરી દાવા, મોટર અકસ્માત વળતર (MACP) ના કેસો, લેબર અને લગ્ન વિષયક તકરારના કેસો, તેમજ વીજળી અને પાણીના બિલોને લગતા સમાધાનપાત્ર કેસો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કૌટુંબિક તકરાર, જમીન સંપાદન, સર્વિસ મેટરના પે-એલાઉન્સ તથા નિવૃત્તિના લાભોના કેસ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય તેવા રેવન્યુ કેસો તેમજ અન્ય સિવિલ કેસો (ભાડુઆત, સુખાધિકાર હક્ક, મનાઈ હુકમના દાવા, સ્પેસિફિક પરફોર્મન્સ) વગેરે બાબતોના કેસોને પણ આ લોક અદાલતમાં સમાધાન અર્થે મૂકાયા હતાં.

- Advertisement -

આ લોક અદાલતમાં 20 જેટલા જ્યુડીશીયલ ઓફિસરોએ ભાગ લીધો હતો. આ અદાલતમાં 15 જેટલી સંસ્થાઓ જેવી કે બેકીંગ સંસ્થાઓ, ફાઇનાન્સ કંપનીઓ, પીજીવીસીએલએ ભાગ લીધો હતો. લોકઅદાલતમાં કુલ 3796 જેટલા કેસોનો નિકાલ કરાયો છે. લોકઅદાલતમાં પ્રિલીટીગેશનના કેસોમાં રૂા.1,60,63,930નું સેટલમેન્ટ તથા લોકઅદાલતમાં રૂા.10,06,91,119 એમ કુલ રૂા.11,67,55,049નું સેટલમેન્ટ થયું હતું.

- Advertisement -

પીજીવીસીએલ જામનગર સર્કલ દ્વારા 705 કેસોનું સમાધાન
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ના જામનગર સર્કલ કચેરી હેઠળ લોકઅદાલતમાં વીજબીલ તથા વીજ વસૂલાતને લગતા કુલ 705 કેસોનું સફળતાપૂર્વક સમાધાન કરવામાં આવ્યું હતું.

લોકઅદાલત દરમિયાન 665 પ્રી-લિટિગેશન કેસોમાં કુલ રૂા.182.33 લાખની રકમ સામે રૂા.117.78 લાખમાં સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાંથી રૂા.61.76 લાખની રકમ સ્થળ પર જ વસૂલ કરવામાં આવી હતી. તે ઉપરાંત 40 લિટિગેશન કેસોમાં કુલ રૂા.30.80 લાખની રકમ સામે રૂા.23.69 લાખમાં સમાધાન કરવામાં આવ્યું હતું અને તેમાંથી રૂા.13.71 લાખની રકમ સ્થળ પર જ વસૂલ કરવામાં આવી હતી. આમ જામનગર સર્કલ હેઠળ યોજાયેલ લોકઅદાલતમાં કુલ 705 કેસો જેમાં કુલ રૂા.213.13 લાખની રકમ સંકળાયેલ હતી. તેમાંથી કુલ રૂા.141.47 લાખની રકમનું સમાધાન કરવામાં આવ્યું હતું અને કુલ રૂા.75.47 લાખની રકમ સ્થળ પર જ વસુલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular