જામનગરના કડીયા બજાર રોડ ખાતે યોજાતો શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ આ વર્ષે 30 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. ત્રણ દાયકાથી ભક્તિ, આસ્થા અને વિવિધ સર્જનાત્મક આયોજનો સાથે ઉજવાતા આ ગણપતિ મહોત્સવમાં દર વર્ષે કંઈક નવું અને વિશિષ્ટ આકર્ષણ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ આયોજકો દ્વારા અનોખી થીમ સાથે મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા. 14 સપ્ટેમ્બરથી તા. 25 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન કડીયા બજાર રોડ ખાતે ગણપતિજીના દર્શન માટે ભક્તો ઉમટી પડશે.
આ વર્ષની સૌથી મોટી વિશેષતા ગણપતિજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિ છે. મૂર્તિનું નિર્માણ સંપૂર્ણપણે પર્યાવરણને નુકસાન ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મૂર્તિ બનાવવા માટે કંતાન, સફેદ કાપડ, પૂઠાં, વાંસ, સુતરી અને દોરા સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને દ્વારકા નજીક આવેલા નાગેશ્વર ધામના ગોપી તળાવમાંથી મળતી ગોપીચંદન માટી ઉપરાંત કાળી માટી, સફેદ માટી અને લાલ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિ તૈયાર કરવામાં અંદાજે દોઢ મહિના જેટલો સમય લાગ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.
આ વખતે શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવમાં રાષ્ટ્રભાવનાને કેન્દ્રમાં રાખીને વિશિષ્ટ થીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રધ્વજ ઉપરાંત રાષ્ટ્રીય ફૂલ કમળ, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય રમત હોકી, રાષ્ટ્રીય ફળ કેરી અને રાષ્ટ્રીય વૃક્ષ વડ સહિતના રાષ્ટ્રીય પ્રતીકોની વિવિધ કલાકૃતિઓ તૈયાર કરવામાં આવશે. ગણપતિ મહોત્સવના માધ્યમથી લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને જનજાગૃતિનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
મહોત્સવ દરમિયાન તા. 18 સપ્ટેમ્બર, 2026 ના રોજ રાત્રે 8 વાગ્યે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઆરતી દરમિયાન પણ રાષ્ટ્રભાવનાને પ્રાધાન્ય આપવામાં આવશે અને રાષ્ટ્રગીત તથા રાષ્ટ્રગાનના માધ્યમથી લોકો સુધી રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. ભક્તિ સાથે રાષ્ટ્રભાવનાને જોડતું આ આયોજન આ વર્ષે મહોત્સવનું વિશેષ આકર્ષણ બનશે.
શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવનું આયોજન એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા અગાઉના વર્ષોમાં પણ વિવિધ અનોખા અને વિશાળ આયોજન કરવામાં આવ્યા છે, જેના કારણે ગણપતિ મહોત્સવ જામનગરમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનતો રહ્યો છે. ટીમ દ્વારા અત્યાર સુધીમાં 8 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તેમજ 14 લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હોવાનું આયોજકોનું કહેવું છે.
એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા વર્ષ 2012 માં 145 કિલોગ્રામની ભાખરી બનાવી અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2013 માં 11,111 લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. વર્ષ 2014 માં 51.6 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી હતી, જ્યારે વર્ષ 2015 માં ફિંગર પેઇન્ટિંગ દ્વારા ગણેશજીનું વિશાળ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. વર્ષ 2017 માં સાત ધાનનો વિશાળ ખીચડો બનાવીને પણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. આવી અનોખી સિદ્ધિઓના કારણે એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવતું આયોજન દર વર્ષે લોકોમાં કુતૂહલ અને આકર્ષણનું કેન્દ્ર બને છે.
View this post on Instagram
ત્રણ દાયકાની આ પરંપરાને આગળ વધારતા આ વર્ષે પણ એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કંઈક વિશિષ્ટ રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ ઈકોફ્રેન્ડલી મૂર્તિ અને બીજી તરફ રાષ્ટ્રીય પ્રતીકોની કલાકૃતિઓ સાથે રાષ્ટ્રભાવનાનો સંદેશ આપતી થીમ તૈયાર કરવામાં આવી રહી છે. જેના કારણે આ વર્ષે કડીયા બજાર રોડ ખાતે યોજાનારો શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવ ભક્તિ સાથે સર્જનાત્મકતા, પર્યાવરણ જાગૃતિ અને રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ બની રહેશે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા એઇટ વન્ડર્સ ગ્રુપના સભ્યો દ્વારા છેલ્લા ઘણા સમયથી સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ગણપતિજીની મૂર્તિથી લઈને વિવિધ કલાકૃતિઓ અને મહોત્સવની તૈયારીઓમાં કેવલસિંહ રાણા, દિલીપભાઈ વોરલિયા, નિલેષસિંહ પરમાર, કલ્પેશ, સતીશ વાડોલિયા, પ્રિયંક શાહ, યોગેશભાઈ કણજારિયા, કપિલ સોલંકી, પ્રતાપસિંહ ચૌહાણ, વિજયસિંહ જાડેજા, જીતુભાઈ, દિપકભાઈ ગઢવી, હરિભાઈ, ગોપાલભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ અને વિપુલ પીઠડિયા સહિતના સભ્યોની મહત્વની ભૂમિકા છે.


