જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ઓનલાઈન આર્થિક છેતરપિંડીના ગંભીર મામલે કુલ 9 શખ્સો સામે ગુનો નોંધાતા ચકચાર મચી છે. ફરિયાદ મુજબ આરોપીઓએ કથિત રીતે પૂર્વઆયોજિત કાવતરું રચી પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તે એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઈન આર્થિક ઠગાઈ કરવામા આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ કારૂભાઇ ડાડુભાઇ વસરા દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં ગુનાનો સમયગાળો 1 જાન્યુઆરી 2025ના સવારે 11 વાગ્યાથી 9 સપ્ટેમ્બર 2026ના રાત્રે 10 વાગ્યા સુધીનો દર્શાવવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ યાસમીનબેન ઇશાકભાઇ પીઠડીયા, ફરહાન મુસ્તાકભાઇ પીઠડીયા, જમીર વલીમામદ થાસરીયા, અમીન મહમદ બ્લોચ, અબરાર સુલેમાન ઓડીયા, સાહિલ સાજીદ માડકીયા, અલ્તાફ સુલેમાનભાઇ ઓડીયા, સાજીદ સતારભાઇ માડકીયા અને આતીક ઉર્ફે આતીફ યાકુબભાઇ માડકીયા, તમામ જામનગરના રહેવાસીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત તપાસ દરમિયાન અન્ય કોઈની સંડોવણી સામે આવે તો તેમના નામ પણ ખુલવાની શક્યતા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ પોતાના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ એકાઉન્ટની કિટ સહિતની વિગતો સહઆરોપી આતીક ઉર્ફે આતીફ યાકુબભાઇ માડકીયાને ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુનાઓ આચરવા માટે આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. દરેક બેંક એકાઉન્ટ બદલ આરોપીઓને અલગ-અલગ રકમનું કમિશન મળતું હતું. આ રીતે એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.
આ સમગ્ર પ્રકરણમાં આશરે રૂા.64,49,699ના અનઅધિકૃત ટ્રાન્ઝેકશન થયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓનલાઈન ઠગાઈથી મેળવવામાં આવેલા નાણાંની હેરફેર કરી અંગત ઉપયોગ માટે નાણાં મેળવવામાં આવ્યા હોવાનો પણ આરોપ મૂકાયો છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સંબંધિત બેંક એકાઉન્ટ, નાણાકીય વ્યવહારો, ટ્રાન્ઝેકશનની વિગતો અને આરોપીઓ વચ્ચેના કથિત નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.
ફરિયાદમાં આરોપીઓએ પૂર્વઆયોજિત ગુનાહિત કાવતરું રચી એકસમાન ઈરાદાથી સાયબર ક્રાઇમ આચર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઈન્ટરનેટના માધ્યમથી લોકોને છેતરવા માટે ખોટી ઓળખ ઊભી કરી અને બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાવી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવામાં આવ્યો હોવાનો આરોપ છે.
સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન બેંક એકાઉન્ટમાંથી થયેલા ટ્રાન્ઝેકશન, નાણાં ક્યાંથી આવ્યા અને ક્યાં ટ્રાન્સફર થયા, તેમજ સમગ્ર નેટવર્કમાં કોની શું ભૂમિકા હતી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(4), 61(2), 54, 3(5) તથા આઇટી એક્ટની કલમ 66(ઉ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે.


