ચેલા વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ઈન્ડિયન બ્રાસ કારખાનામાં મશીનમાં સળિયો નાખવાનું કામ કરતી વખતે યુવાનનો શર્ટ મશીનમાં આવી જતાં તેનો હાથ કપાઈ જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, મૂળ બિહારના પરીયારી ગામના અને હાલ જામનગરના ચેલામાં રહી વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ઈન્ડિયન બ્રાસ નામના કારખાનામાં મજૂરી કામ કરતા રહિશકુમાર સંતોષપાલ (ઉ.વ.20) નામનો યુવાન કારખાનામાં મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન તા.10 ના સવારના સમયે કારખાનામાં ડ્રો મશીનમાં સળિયા નાખવાનું કામ કરતી વખતે તેણે પહેરેલ શર્ટ અચાનક ડ્રો મશીનમાં આવી જતાં ડાબા હાથના ખંભાથી છાતી સુધીનો ભાગ કપાઈ ગયો હતો. મજૂર યુવાનને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગે સોનુકુમાર બ્રહ્મદેવ ભગતએ પોલીસમાં જાણ કરતા પંચ બી એએસઆઈ એમ.એમ. જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


