Wednesday, September 2, 2026
Homeવિડિઓલગ્નના વરઘોડામાં ‘વગર આમંત્રણે’ આખલો ઘૂસી જતા ભાગદોડ - VIDEO

લગ્નના વરઘોડામાં ‘વગર આમંત્રણે’ આખલો ઘૂસી જતા ભાગદોડ – VIDEO

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં લગ્ન પ્રસંગ દરમિયાન રખડતા આખલાઓના કારણે અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સલાયાના લોહાણા બોડિંગ માર્ગ પરથી લગ્નનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક બે આખલાઓ સામસામે આવી ગયા હતા અને બડઘડાટી બોલાવી હતી.

- Advertisement -

વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયાઓ અને લોકો હાજર હતા. આ દરમિયાન બે આખલાઓ વચ્ચે અચાનક થયેલા સંઘર્ષને કારણે વરઘોડામાં ભાગદોડ મચી ગઈ હતી. આખલાઓને પોતાની તરફ આવતા જોઈ કેટલાક જાનૈયાઓ બાળકોને સાથે લઈ સલામત સ્થળે દોડી ગયા હતા. લગ્ન પ્રસંગની ખુશી વચ્ચે અચાનક બનેલી આ ઘટનાથી ઉપસ્થિત લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આખલાઓ વચ્ચેના યુદ્ધના કારણે જાહેર માર્ગ પર પણ થોડીવાર માટે અફરાતફરી સર્જાઈ હતી. વરઘોડામાં આવેલા લોકો પોતાનો બચાવ કરવા માટે રસ્તાની બાજુએ ખસી ગયા હતા. જોકે, સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી.

- Advertisement -

ઘટનાનો વીડિયો પણ કોઈ વ્યક્તિ દ્વારા મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં લગ્નના વરઘોડા દરમિયાન આખલાઓના કારણે સર્જાયેલી દોડધામ જોવા મળી રહી છે. સલાયાની આ ઘટનાએ ફરી એકવાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા પશુઓના પ્રશ્ર્નને ચર્ચામાં લાવ્યો છે. જાહેર માર્ગો પર રખડતા પશુઓને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને પણ અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે લગ્ન પ્રસંગ જેવા જાહેર કાર્યક્રમ દરમિયાન પણ આવી ઘટના બનતા સ્થાનિકોમાં રખડતા પશુઓને લઈને ચિંતા જોવા મળી રહી છે.

- Advertisement -

સ્થાનિકો દ્વારા જાહેર માર્ગો પરથી રખડતા પશુઓને દૂર કરવા તેમજ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular