Thursday, November 5, 2026
Homeરાજ્યહાલારઓખા ખાતે સુનામી આફતમાં બચાવ અર્થે મોકડ્રીલ યોજાઈ

ઓખા ખાતે સુનામી આફતમાં બચાવ અર્થે મોકડ્રીલ યોજાઈ

હાઈરિસ્ક વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયું

દ્વારકા જિલ્લામાં સુનામી જેવી સંભવિત કુદરતી આપત્તિ સામેની પૂર્વતૈયારીની ચકાસણીના ભાગરૂપે ઓખા બંદર ખાતે સુનામી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ઓખા બંદરની નિર્ધારિત એસ.ઓ.પી. મુજબ વિવિધ વિભાગો અને સુરક્ષા એજન્સીઓની કામગીરી, પરસ્પર સંકલન, સંદેશાવ્યવહારની વ્યવસ્થા, ઉપલબ્ધ માનવબળ અને સંસાધનોનો ઉપયોગ તથા હાઈરિસ્ક વિસ્તારમાંથી નાગરિકોના સમયસર સ્થળાંતરની વ્યવસ્થાની વાસ્તવિક ચકાસણી કરવાનો હતો. સાથે જ સ્થળાંતર કામગીરીમાં લાગતા સમયમાં ઘટાડો કરવા તથા ગ્રાઉન્ડ લેવલ પર રહેલી ખામીઓની ઓળખ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવાનો પણ હેતુ હતો.

- Advertisement -

મોકડ્રીલ દરમિયાન ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓસન ઇન્ફોર્મેશન સર્વિસીસ તરફથી સુનામી સંબંધિત બુલેટિન તથા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશસિ સેન્ટર તરફથી મળેલા સંદેશાઓના આધારે તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી હતી. નિર્ધારિત સમયપત્રક મુજબ સવારે 10 થી 1 દરમ્યાન મોકડ્રીલ કરવામાં આવી હતી. પ્રાપ્ત થયેલા સંદેશાઓના આધારે સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ગ્રાઉન્ડ લેવલ સુધી સૂચનાઓનું પ્રસારણ કરી એસ.ઓ.પી. મુજબ સ્થળાંતર, સુરક્ષા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ઓખા બંદરના નવીનગરી વિસ્તારમાં સુનામીની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને દરિયાકિનારાથી અંદાજે 100 મીટરથી 1.5 કિ.મી.ની અંદરના હાઈરિસ્ક વિસ્તારમાંથી કુલ 945 વ્યક્તિઓનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતર કરાયેલ વ્યક્તિઓને જલારામ હોલ ખાતે સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો, જ્યારે કુલ 50 પશુઓને નગરપાલિકા શાળા ખાતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

જિલ્લા વહીવટી તંત્ર, મહેસૂલ વિભાગ, પોલીસ, ઓખા નગરપાલિકા, આર્મી, બી..એસ.એફ, સી.આઈ.એસ.એફ., આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગ, ફાયર વિભાગ, પરિવહન, વીજ વિભાગ, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લગત કાર્યવાહી કરવામાં આવી હતી. મોકડ્રીલ પૂર્ણ થયા બાદ બપોરે 1 વાગ્યે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ડી-બ્રીફિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સંબંધિત વિભાગો અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા તથા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular