દ્વારકામાં ભથાણ ચોક વિસ્તારમાં રહેતાં અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન ઉપર બે ભાઇઓએ ગાળો કાઢી યુવાન, તેની પત્ની અને પુત્ર ઉપર પાઇપ અને ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ દ્વારકાના ભથાણ ચોક વિસ્તારમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હરજીભાઈ દેવશીભાઈ નકુમ (ઉ.વ.48) નામના યુવાન સાથે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા પરસોતમ ગોવિંદભાઈ નકુમ અને વાલજી ગોવિંદભાઈ નકુમ નામના બે બંધુઓ દ્વારા ફરિયાદી હરજીભાઈ તથા તેમના પત્ની અને પુત્રને બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે બેફામ માર મારીને ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદીની વડીલોપાર્જીત જમીનના જે-તે વખતે વડીલોએ ભાગ પાડી દીધા હતા. હાલ ફરિયાદીની જમીનની કિંમત વધી ગયેલી હોય, જેથી આરોપીઓએ ફરિયાદી હરજીભાઈને તેમની જમીનમાંથી પાંચ વીઘા જમીન આપવાનું કહ્યું હતું. પરંતુ તેમણે ના પાડતા ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.


