જામનગર શહેરના સાત રસ્તા ઓવરબ્રીજ ઉપર હત્યાના પ્રયાસ અને એટ્રોસિટીના ગુનાના બે આરોપીઓને એલસીબીની ટીમે ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતાં જેલહવાલે કરવામાં આવ્યા હતા.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં નવા બનેલા સાત રસ્તા ઓવરબ્રીજ ઉપર ગત્ તા. 20ના રોજ જામનગરના શંકર ટેકરી સિદ્ધાર્થનગર, શેરી નંબર 17માં રહેતા કોન્ટ્રાક્ટર પ્રકાશભાઇ મગનભાઇ ગોરી (ઉ.વ.43) નામનો યુવાન ગઇકાલે બપોરના સમયે તેની ફોર્ચ્યુનર કારમાં સાત રસ્તા નવા ફલાય ઓવર પરથી પસાર થતા હતા, તે દરમ્યાન હાજી હમીર ખફી ઉર્ફે લાંબો, શિવરાજસિંહ મહેન્દ્રસિંહ નામના બે શખ્સોએ ફોર્ચ્યુનર કારમાં આવી કાર ડીવાઇડર સાથે ભટકાડી કોન્ટ્રાકટરની કારને આંતરી લીધી હતી. ત્યારબાદ બે અજાણ્યા શખ્સો બાઇક પર ધસી આવ્યા હતા. કોન્ટ્રાક્ટરને જેમ ફાવે તેમ ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કરી લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ બાઇક પર આવેલા બે શખ્સોએ લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો.
View this post on Instagram
પોલીસે પ્રકાશભાઇના નિવેદનના આધારે પ્રકાશભાઇના ભાઇને ભીખુભાઇ પાસેથી પૈસા લેવાના હોય જે પૈસા હાજી હમીર અને શિવરાજસિંહ અપાવી દેવાના હતા તે માટે ખર્ચ પેટે બન્ને શખ્સોને રૂા. પાંચ લાખ આપવાના હતા ત્યારબાદ પ્રકાશના ભાઇને ભીખુભાઇ સાથે સમાધાન થઇ જતાં બન્ને શખ્સોને પાંચ લાખ રૂપિયા આપ્યા ન હોવાથી આ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી હાજી હમીર અને શિવરાજસિંહ તથા બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ હુમલો કર્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીના ગુનામાં એલસીબી પીઆઇ વી. બી. ચૌધરી તથા ટીમ દ્વારા હાજી હમીર ખફી સુમરા (રહે. મસીતિયા), શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા (રહે. શંકર ટેકરી) નામના બન્ને શખ્સોને રામનગર, પ્રજાપતિની વાડી સામેથી દબોચી લઇ બન્નેને અદાલતમાં રજૂ કરાતાં અદાલતે જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો. તેમજ પોલીસ દ્વારા બે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.


