ધ્રોલ-જોડિયા રોડ ઉપર પશુ દવાખાના સામેના માર્ગ પરથી પસાર થતી કિઆ સેન્ટ્રોસ કારને ધ્રોલ પોલીસે આંતરીને તલાશી લેતાં તેમાંથી રૂા. 3,67,200ની કિંમતના 2160 નંગ ચપલા મળી આવતાં પોલીસે શખ્સની ધરપકડ કરી ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ ધ્રોલ-જોડિયા રોડ ઉપરથી કારમાં દારૂનો જથ્થો પસાર થવાની મળેલી બાતમીના આધારે ધ્રોલ પોલીસે મદ્યરાત્રિના સમયે પશુ દવાખાના સામે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન જીજે32 કે 0218 નંબરની કિઆ સેન્ટ્રોસ કાર પસાર થતાં પોલીસે આંતરીને તલાશી લેતાં કારમાંથી રૂા. 3,67,200ની કિંમતના 2160 નંગ દારૂના ચપલા મળી આવ્યા હતા. તેથી પોલીસે કારચાલક સુનિલ જયસુખ મકવાણા (ઉ.વ.34, રહે. હાપા) નામના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી રૂા. આઠ લાખની કિંમતની કાર અને રૂા. 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા દારૂ મળી કુલ રૂા. 11,77,200નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના થાનના મેહુલ કોળી અને જામનગરના સાધના કોલોનીમાં રહેતા સાહિલ ફિરોઝ મોદી અને ધુંવાવના મુસ્તાક સફિયાના નામો ખુલ્યા હતા. જેના આધારે પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


