જામનગર તાલુકાના વીજરખી ગામમાં રહેતી પરપ્રાંતિય સગીરાને થયેલા પ્રેમસંબંધ મામલે ઠપકો આપતા મનમાં લાગી આવતાં વાડીની ઓરડીમાં ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રોલ તાલુકાના માવાપર ગામમાં દવાના છંટકાવ બાદ નિંદ્રાધિન યુવાનનું બેશુદ્ધ થઇ જતાં મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના રતમાલિયા ગામના વતની અને હાલ જામનગર તાલુકાના વીજરખી ગામના સીમ વિસ્તારમાં મહેશભાઇ લોખિલની વાડીમાં મજૂરીકામ કરતાં આદિવાસી પરિવારની રેશ્માબેન રાયચંદભાઇ વાસ્કેલા (ઉ.વ.14) નામની સગીરાને જગદિશ નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો અને પરિવારજનો દ્વારા સગીરાને આ બાબતે ઠપકો અપાતા મનમાં લાગી આવતા ગત્ તા. 28ના સાંજના સમયે રેશ્માબેને તેના ખેતરની ઓરડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સગીરાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું શનિવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ અજય દ્વારા જાણ કરાતા એએસઆઇ એસ. જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ અલીરાજપુર જિલ્લાના ચીચલગુડા ગામના વતની અને હાલ ધ્રોલ તાલુકાના માવાપર ગામની સીમમાં આવેલી કુંવરજીભાઇની વાડીમાં મજૂરીકામ કરતાં ભીમશી દેવલાભાઇ પચાયા (ઉ.વ.46) નામનો ખેત મજૂર યુવાન શનિવારે દિવસ દરમ્યાન મગફળીમાં દવાનો છંટકાવ કર્યો હોય અને સાંજે જમીને સૂઇ ગયો હતો. ત્યારબાદ નિદ્રાધિન હાલતમાં જ બેશુદ્ધ થઇ ગયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઇ રાજુ દ્વારા જાણ કરાતા હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.


