જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ધ્રોલ તાલુકાના રાજપરા ગામના ત્રણ વર્ષના બાળકનું રવિવારે સરકારી જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, જેના સેમ્પલનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ હવે પોઝિટિવ આવ્યો છે. આ સાથે જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે.
સરકારી જી. જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ પૈકી 11 દર્દીઓના રિપોર્ટ પ્રાપ્ત થયા છે, જેમાં 10 દર્દીઓના ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક શંકાસ્પદ દર્દીના રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. હોસ્પિટલમાં નોંધાયેલા કુલ 12 શંકાસ્પદ દર્દીઓમાંથી અત્યાર સુધીમાં 8 દર્દીઓના મોત થયા છે. મૃતક 8 દર્દીઓમાંથી 7 દર્દીઓના ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે ધ્રોલના રાજપરા ગામના ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ સરકારી જી. જી. હોસ્પિટલમાં ચાંદીપુરાની શંકાને પગલે બે દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. બંને દર્દીઓની હાલત સામાન્ય હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.
View this post on Instagram
આ ઉપરાંત સારવાર હેઠળ રહેલા બે દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચાંદીપુરાના શંકાસ્પદ કેસોને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી તકેદારી અને સારવારની કામગીરી કરવામાં આવી રહી છે. જામનગરમાં અત્યાર સુધી નોંધાયેલા શંકાસ્પદ કેસોમાં મોટા ભાગના દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવા છતાં પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે. ધ્રોલના રાજપરા ગામના ત્રણ વર્ષના બાળકનો પોઝિટિવ રિપોર્ટ સામે આવતા ચાંદીપુરા વાયરસને લઈને સ્થાનિક સ્તરે પણ ચિંતા જોવા મળી રહી છે.


