જામનગર શહેરમાં જી. જી. હોસ્પિટલથી અંબર ચોકડી તરફના માર્ગ પર મલાબારના શો રૂમ પાસે ભરબપોરે બાઇકચાલક પ્રૌઢને આંતરીને ગાળો કાઢી બાઇકમાં નુકશાની મામલે ખિસ્સામાંથી રૂા. 6 હજારની રોકડની દિલધડક લૂંટથી શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે. જીવલેણ હુમલા, હત્યા, દારૂની રેલમછેલ, લૂંટ, છેતરપિંડી જેવા બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે ગત્ તા. 06ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં લાલવાડી વિસ્તારના વર્ધમાનનગરમાં બ્લોક નંબર ઇ-103માં રહેતાં મનોજભાઇ વિનોદચંદ્ર માંડલિયા (ઉ.વ.51) નામના પ્રૌઢ તેના જીજે10 સીઆર 0320 નંબરના બાઇક પર જી. જી. હોસ્પિટલથી અંબર ચોકડી તરફ જતા હતા ત્યારે મલાબાર શો રૂમ નજીક અજાણ્યા બાઇક ચાલકે હોર્ન મારી પ્રૌઢને આંતરી અને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. ત્યારબાદ અમારા બાઇકમાં નુકશાન થયેલ છે. રૂપિયા આપવા પડશે. જેથી પ્રૌઢે કહ્યું કે, બાઇક ભટકાણું જ નથી તો રૂપિયા શું કામ આપું? તેમ જણાવતાં બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો પૈકીના એકએ પ્રૌઢનો કાંઠલો પકડી રાખ્યો જ્યારે અન્ય શખ્સે ખિસ્સામાં રહેલી રૂા. 6 હજારની રોકડ રકમની ગણતરીની સેક્ધડોમાં જ લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ દિનદહાડે ટ્રાફિકથી ધમધમતા પીએન માર્ગ પર લૂંટના બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ જે. એસ. ગોવાણી તથા સ્ટાફએ લૂંટ ચલાવી નાશી ગયેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.


