સાયબર ફ્રોડ મારફતે ગુનો આચારતા શખ્સો દ્વારા ત્રાહિત વ્યક્તિના બેન્ક એકાઉન્ટ ભાડેથી રાખીને તેમાં લાખો રૂપિયાના ટ્રાન્જેક્શન કરવામાં આવે છે. મ્યુલ એકાઉન્ટ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે કરેલી કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
રાજકોટના રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ અહીંના ડીવાયએસપી મીત રુદલાલના વડપણ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગના પોલીસ ઈન્સ. ઋષિતસિંહ રાઠોડ તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે ટેકનિકલ માહિતી મેળવી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલી બેન્ક ઓફ બરોડાના એક એકાઉન્ટધારક તથા તેના મળતીયાઓ સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલા ગુના સંદર્ભે બી.એન.એસ. અને આઈ.ટી. એક્ટની કલમ હેઠળ સાયબર ફ્રોડના રૂપિયા 39,08,760ની આપ-લે કરનારા મ્યુલ એકાઉન્ટ હોલ્ડર તથા અન્ય બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે કલ્યાણપુરના કબીરનગર વિસ્તારમાં રહેતા દિલીપ પ્રભુદાસ પાલા (ઉ.વ. 44), કલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામના શક્તિરાજસિંહ તખુભા જાડેજા (ઉ.વ. 21) અને આ જ ગામના ધ્રુવરાજસિંહ અજયસિંહ જાડેજા (ઉ.વ. 23) નામના ત્રણ શખ્સોની અટકાયત કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. ઋષિતસિંહ રાઠોડ, પી.એસ.આઈ. બી.કે. કડછા તેમજ સ્ટાફના ધરણાંતભાઈ બંધીયા, હેભાભાઈ ચાવડા, સાજણભાઈ સુવા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જાહેર જનતા જોગ જારી કરવામાં આવેલી એક સૂચના મુજબ કોઈપણ વ્યક્તિએ પોતાના નામે કે પેઢીના નામે ખોલાવેલું બેન્ક એકાઉન્ટ ટૂંકા સમયગાળામાં વધુ પૈસા કમાવવા કે કમિશન મેળવવા અન્ય અજાણી વ્યક્તિને આપવું એ ગુનો છે. જે બદલ જે-તે બેંક એકાઉન્ટ ધારક સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જેથી આ પ્રકારની લાલચથી દૂર રહેવા તેમજ નજીકમાં આ પ્રકારની પ્રવૃત્તિ થતી જણાય તો તે અંગેની જાણ સ્થાનિક પોલીસમાં કરવા અનુરોધ કરાયો છે.


