અમદાવાદ ખાતેની એક કોલેજમાં એન્જિનિયરિંગમાં બી.ટેક.નો અભ્યાસ કરતી એક યુવતીને પબજી ગેમ વડે એક યુવાનનો સંપર્ક થયો હતો. આ શખ્સે યુવતી સાથે મિત્રતા કેળવી અને તેણીના અંગત ફોટા તેમજ વિડીયો મેળવી લીધા હતા. આ પછી આ બંને વચ્ચેની મિત્રતા કોઈ કારણોસર તૂટી જવા પામી હતી.
આ પ્રકરણમાં થોડા સમય પછી બેનામી સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે ટેલિગ્રામ તથા ઈન્સ્ટાગ્રામમાંથી આ ફરિયાદી મહિલાના ફોટા તેમજ વિડિયો તેણીના પિતા, બહેનપણી તેમજ કુટુંબીભાઈને મોકલી આપવામાં આવ્યા હતા. આટલું જ નહીં, આરોપી યુવાન દ્વારા યુવતીના પિતાને ઈ-મેઈલ તથા ટેલિગ્રામથી મેસેજ કરીને રૂપિયા પાંચ લાખની ખંડણીની માંગણી કરી હતી અને જો તેઓ આ રકમ નહીં આપે તો યુવતીના ફોટા વધુ વાઇરલ કરવાની ધમકી આપી, યુવતીના પિતા પાસેથી રૂ. 22,000ની ખંડણી મેળવી લીધી હતી.
આ પછી આરોપીએ રૂ. પાંચ લાખની માંગણી પૂરી ન કર્યેથી તેણીના ફોટા તથા વિડીયો સોશિયલ મીડિયા મારફતે યુનિવર્સિટી તથા કોલેજમાં વાયરલ કરવાની ધમકી આપી હોવાનું ખુલવા પામ્યું હતું. જેને અનુલક્ષીને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બી.એન.એસ. તથા આઈ.ટી. એક્ટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પ્રકરણને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ વિભાગના પી.આઈ. ઋષિત સિંહ રાઠોડ તેમજ તેમની ટીમ દ્વારા આ અંગેની જરૂરી કાર્યવાહી કરી ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સીસની મદદ થી આ પ્રકરણમાં દિલ્હી રાજ્યના રોહિણી વિસ્તારના સેક્ટર નંબર 17 ખાતે રહેતા સાહિલ ઉર્ફે હર્ષ શોકીન્દર સિંહ જાટ નામના 22 વર્ષના વિદ્યાર્થી શખ્સને અમદાવાદ ખાતેથી અટકાયત કરી, આગળની કાર્યવાહી કરી હતી.
પોલીસ તંત્રની અપીલ
કોઈપણ વ્યક્તિને સોશિયલ મીડિયાની કોઈપણ સાઈટ પરથી અજાણ્યા સ્ત્રી કે પુરુષ સાથે મિત્રતા કેળવાયા બાદ કોઈપણ વ્યક્તિને પોતાના અંગત ફોટો કે વિડિયો શેર ન કરવા તેમજ આવા બ્લેકમેલિંગ કરતા શખ્સને કોઈ પણ પ્રકારની ખંડણી ન આપવા અને જરૂર પડ્યે તાત્કાલિક દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


