જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને ફરી ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ધ્રોલ પંથકના 6 વર્ષના ભુલકાને ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેના ચાંદીપુરાના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઇ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આ ઉપરાંત ધ્રોલ તાલુકાના અન્ય એક ચાંદીપુરા શંકાસ્પદમાં દાખલ થયેલ બાળકનું પણ મૃત્યુ થયું છે. જોકે તેનો ચાંદીપુરાનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો આ ઉપરાંત ધ્રોલ અને કાલાવડ તાલુકાના બે બાળદર્દીઓમાં ચાંદીપુરા જેવા લક્ષણો જોવા મળતા બંનેને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલના બાળ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ બંને બાળકોની હાલત ગંભીર છે અને તેમની સઘન સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લૈયારા પીએચસી હેઠળના 6 વર્ષીય માસુમ બાળકને ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અને તેના ચાંદીપુરાના રીપોર્ટ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતાં. આ સારવાર દરમિયાન માસુમ બાળકનું મૃત્યુ નિપજ્યું હતું. તેમજ તેના ચાંદીપુરાના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યા હતાં. જામનગર જિલ્લામાં ચાંદીપુરા પોઝીટીવ બાળકના મોતનો પ્રથમ બનાવ છે. જેને લઇ જિલ્લાનું આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આ ઉપરાંત ધ્રોલ તાલુકાના અન્ય એક ગામના માસુમ બાળકને પણ ચાંદીપુરા શંકાસ્પદ લક્ષણો સાથે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જેનું પણ મૃત્યુ થયું હતું. જોકે આ બાળકના ચાંદીપુરાના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં.
જામનગર જિલ્લામાં ચાંદીપુરાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ધ્રોલ તાલુકાના 2 વર્ષના બાળકમાં ચાંદીપુરા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. બાળકની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળરોગ નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેની સારવાર શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના 4 વર્ષના બાળકમાં પણ ચાંદીપુરા જેવા લક્ષણો જોવા મળતા તેને જીજી હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવ્યો છે. બંને બાળકોના જરૂરી સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના કુલ 11 જેટલા શંકાસ્પદ બાળદર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. આ પૈકી 9 બાળકોના તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે હાલ બે બાળકોના રિપોર્ટ હજુ બાકી છે.
હાલમાં જામનગરની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ 4 બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બે બાળકોની સ્થિતિ સામાન્ય હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે, જ્યારે અન્ય બે બાળકોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.
ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા પણ સમગ્ર મામલે તકેદારી રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને જરૂરી તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે.
ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા બાળકોને સમયસર સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકોમાં તાવ, ઉલટી, બેચેની, આંચકી અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો પરિવારજનોને તાત્કાલિક તબીબી સારવાર લેવા અપીલ કરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લામાં અગાઉ પણ ચાંદીપુરાના શંકાસ્પદ કેસ નોંધાયા હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નવા બે શંકાસ્પદ કેસ સામે આવતા હવે બંને બાળકોના રિપોર્ટ પર સૌની નજર છે.
હાલ ધ્રોલ અને કાલાવડના બંને બાળકો જીજી હોસ્પિટલના બાળ વિભાગમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. બંનેના રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરાના ચેપ અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.
જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં 6 બાળકોના મોત થયા છે જેમાં ધ્રોલ તાલુકામાં 3, કાલાવડ તાલુકામાં 1 તથા જામનગરમાં 2 બાળકોના મોત થયા છે. આ 6 બાળકો પૈકી એકનો ચાંદીપુરાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે બાકીના 5 બાળકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં.


