જામનગર શહેરમાં ગુરૂવારે બપોરે રહેણાંક મકાનની છત અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઇ હતી. રાજપાર્ક વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થતાં એક વ્યકિત મકાનના કાટમાળ હેઠળ દબાઇ જતાં ફાયર વિભાગની ટીમ દ્વારા તેને બહાર કાઢી સારવાર અર્થે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
જામનગર શહેરમાં રાજપાર્કના ઢાળીયા પાસે આવેલ ચબુતરાની બાજુમાં રણમલ શેરી નં.2 પાસે ટેર્નામેન્ટની છત ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. છત ધરાશાયી થતાં સમયે મકાનમાં બે વ્યકિતઓ હાજર હતાં. જેમાં છત ધરાશાયી થતાં ડોલીબેન નામના મહિલા બહાર દોડી ગયા હતાં. જ્યારે પ્રતાપગીરી નામના વ્યકિત બહાર નિકળી ન શકતા ધરાશાયી થયેલ છતના કાટમાળ હેઠળ દબાઇ ગયા હતાં. આ દુઘર્ટનાને લઇ વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં. આ ઘટના અંગે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.
View this post on Instagram
આ ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ, એસ્ટેટ વિભાગ, 108 એમ્બ્યુલન્સ તેમજ જામ્યુકોના અધિકારીઓ સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અને રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા મકાનમાં દબાઇ ગયેલા પ્રતાપગીરી ગોસ્વામીને બહાર કાઢી તાત્કાલીક 108 મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમ ડે.ચીફ ફાયર ઓફિસર જસ્મીન ભેંસદડીયાએ જણાવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ આ મકાન જુનુ અને જર્જરીત હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે આ દુઘર્ટના સર્જાયાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.


