જામનગર શહેરને સ્વચ્છ અને કચરા મુક્ત રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં ગંદકી ફેલાવનાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરીને સ્વચ્છતા જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ જામનગર મહાનગરપાલિકાના કચરા કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈને સવાલો ઉભા કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ થયેલા વીડિયોમાં કચરો સ્થળાંતર કરવા માટે ઉપયોગમાં લેવાતા વાહનમાં જ કચરો ઠાલવવામાં આવતો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કચરાના યોગ્ય નિકાલ અને સ્થળાંતરની જવાબદારી સંભાળતા કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે આ દ્રશ્યોને પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
એક તરફ સામાન્ય વેપારીની દુકાન બહાર કચરો જોવા મળે તો મહાનગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અને સ્વચ્છતા જાળવવા માટે નિયમોનું પાલન કરાવવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાની સ્વચ્છતા કામગીરી હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા જ જો બેદરકારી દાખવવામાં આવતી હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી થવી જરૂરી છે.
આ સમગ્ર મામલે વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવે અને જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સાબિત થાય તો સંબંધિત કોન્ટ્રાક્ટર સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ જવાબદારી નક્કી કરી યોગ્ય દંડ વસૂલવામાં આવે અને ભવિષ્યમાં આવી બેદરકારીનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
સ્વચ્છતા માટે સામાન્ય નાગરિકો અને વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોય ત્યારે સ્વચ્છતાની જવાબદારી સંભાળતા કોન્ટ્રાક્ટરો માટે પણ નિયમો એટલા જ કડક હોવા જોઈએ. વાયરલ થયેલા આ વીડિયો અંગે મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગંભીરતાથી તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
View this post on Instagram


