રાજકોટ જિલ્લાના વાવડી ગામમાં રહેતાં મકાન લે-વેચનો વ્યવસાય કરતાં યુવાને નવરાત્રિના આયોજન માટે આપેલી રકમનો ચેક રીટર્ન થતાં કેસ પરત ખેંચી લેવા યુવાનને સોશિયલ મિડિયામાં બદનામ કરવા ધમકી આપી બળજબરીથી રૂા. 15 લાખ પડાવી લેવાની માંગણી કરતાં શખ્સ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ રાજકોટ જિલ્લાના વાવડી ગામમાં રહેતા અને જમીન-મકાન લે-વેચનો વ્યવસાય કરતાં અર્જુનભાઇ રણધીરભાઇ ડવ (ઉ.વ.36) નામના યુવાને વર્ષ 2023માં જામનગરમાં નવરાત્રિના આયોજન માટે સંજય ચેતરિયાને રૂા. 12,50,000 આપ્યા હતાં. આ રકમ પેટે સંજયએ પાંચ લાખ રૂપિયા ચૂકવી દીધાં હતાં અને બાકીની 7.50 લાખની રકમ માટે ઉઘરાણી કરી હતી. સંજયે આપેલો ચેક રીટર્ન થતાં અર્જુને ચેક રીટર્નનો કેસ કર્યો હતો અને આ કેસ પરત ખેંચી લેવા માટે સંજયે અર્જુનને બદનામ કરવા ખોટા વિડિયો બનાવી યુ-ટયૂબ ચેનલમાં મૂકશે તેવી ધમકી આપી હતી અને તારે બદનામ ન થાવુ હોય તો 15 લાખ રૂપિયા આપવા પડશે તેમ ધમકાવી બળજબરીથી રૂપિયા કઢાવી લેવાનો પ્રયાસ કરી મારી નાખવાની ધમકી આપી હતી. અર્જુને આખરે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંજય ચેતરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ એન. એમ. ગઢવી તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


