કાલાવડ તાલુકાના ગુંદા ગામમાં આવેલા વાડી વિસ્તારમાં રાજકોટના યુવાને મકાનની છતના હૂકમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વડવાજળી ગામમાં રહેતાં અને નોકરી કરતાં વિશ્વજિતસિંહ અરવિંદસિંહ રાઠોડ (ઉ.વ.30) નામનો યુવાન ગત્ તા. 26ના રોજ સવારના અગિયાર વાગ્યાના અરસામાં તેના ઘરેથી રાજકોટ ઓફિસે જવાનું કહીને નીકળ્યો હતો અને એક દિવસ પછી ઘરે પરત આવીશ. તેમ કહી નીકળેલો યુવાન બીજે દિવસે ઘરે પરત આવ્યો ન હતો. જેથી ચિંતિત પરિવારજનોએ યુવાનની શોધખોળ માટે સગા-સંબંધીઓ અને ઓફિસ સહિતના સ્થળોએ તપાસ કરી હતી. પરંતુ યુવાનનો કોઇ પત્તો લાગ્યો ન હતો. દરમ્યાન કાલાવડ તાલુકાના ગુંદા ગામની સીમમાં વડવાજળી ગામના લાલુભા રાણાજી રાઠોડના ખેતરના મકાનમાં આવેલ છતના હૂક સાથે દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરેલો વિશ્વજિતસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની લાલુભા દ્વારા જાણ કરાતા એએસઆઇ પી. પી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ આરંભી હતી.


