જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાદ્યપદાર્થોમાં વપરાતા તેલ, પ્રિન્ટેડ પસ્તીઓ સહિતની બાબતોનું ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં 68 કિલો વાસી જથ્થાનો તથા 6 કિલો પસ્તીનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ તેલ અને મિઠાઇના નમુના લેવામાં આવ્યા હતાં.
જામનગર મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ફૂડ શાખા દ્વારા હેલ્ધી/હાઇજિન ફૂડ તથા ફાસ્ટ ફૂડ/રેંકડીઓમાં વપરાતા ખાદ્ય તેલ, પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ તેમજ હોટલ/રેસ્ટોરન્ટમાં વાસી ફૂડ અંગે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના બેડેશ્વર, રણજિતનગર, કાલાવડ નાકા બહાર, પાંચ હાટડી, ઢીચડા રોડ, ખોડિયાર કોલોની, પટેલ કોલોની, પેલેસ રોડ સહિતના વિસ્તારોમાં આવેલ હોટલ/રેસ્ટોરન્ટ, ફરસાણ, નોનવેજ શોપ, રેંકડીઓ, આઇસ ફેકટરી સહિત 41 પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમ્યાન 68 કિલો ખાદ્ય પદાર્થનો જથ્થો અનહાઈજિનિક કંડીશનમાં જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 6 કિલોગ્રામ પસ્તીનો નાશ કરાયો હતો. આઇસ ફેકટરીની તપાસ કરી સાફસફાઇ અને સ્વચ્છા જાળવવા, હાઇજેનિક કંડીશન મેઇન્ટેઇન રાખવા તેમજ પાણીમાં ક્લોરિનેશન રૂટિન જાળવવા તાકિદ કરાઇ હતી.
ટીમ દ્વારા ફરિયાદ અન્વયે એક પેઢીમાં ઇન્સ્પેક્શન કર્યું હતું. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ (870 ગ્રામ પાઉચ)નું સેમ્પલ લઇ ફૂડ એન્ડ ડ્રગ્ઝ લેબોરેટરી-વડોદરા ખાતે પૃથ્થકરણ માટે મોકલી અપાયું હતું. આ ઉપરાંત અષાઢી બીજને અનુલક્ષીને ત્રણ પેઢીઓમાંથી મિઠાઇના ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા.


