Thursday, July 16, 2026
Homeવિડિઓકલ્યાણપુર પંથકના આહિર દંપતિએ લદ્દાખમાં રચ્યો ઈતિહાસ - VIDEO

કલ્યાણપુર પંથકના આહિર દંપતિએ લદ્દાખમાં રચ્યો ઈતિહાસ – VIDEO

વિશ્ર્વના સૌથી ઊંચા 19024 ફુટ ઉમલિંગ લા પાસ પર બાઇક સાથે અદ્ભૂત સફળતા : માઇનસ ડિગ્રી તાપમાન અને કઠિન પર્વતિય માર્ગો વચ્ચે સર્વોચ્ચ મોટરેબલ પાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાના એવા ચૂર ગામના એક સાહસિક દંપતિએ સુદૂર લદ્દાખના બર્ફીલા પહાડો વચ્ચે ભારત દેશ સહિત સમગ્ર ગુજરાત અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ વૈશ્ર્વિકસ્તરે રોશન કર્યું છે. કલ્યાણપુર તાલુકાના ચૂર ગામના વતની કલ્પેશભાઈ આહિર અને તેમના પત્ની સપનાબેન આહિરે લદ્દાખમાં આવેલા વિશ્ર્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ‘ઉમલિંગ લા પાસ’ને સર કરીને એક વિરલ સિદ્ધિ પોતાના નામે અંક્તિ કરી છે.

- Advertisement -

લદ્દાખમાં ‘ઉમલિંગ લા પાસ’ સમુદ્ર સપાટીથી આશરે 19,024 ફૂટની આકાશ આંબતી ઊંચાઈ પર આવેલો છે. જે વિશ્ર્વનો સૌથી ઊંચો મોટરેબલ પાસ માનવામાં આવે છે. આટલી ઊંચાઈ પર ઓક્સિજનનું સ્તર અડધા કરતાં પણ ઓછું થઈ જાય છે અને હાડ થીજવતી કાતિલ ઠંડી તેમજ પ્રચંડ વેગે ફૂંકાતા બર્ફિલા પવનો સામાન્ય માણસની હિંમત તોડી નાખે છે. આવા અત્યંત જોખમી, કઠિન પર્વતીય માર્ગો અને પડકારજનક કુદરતી હવામાન વચ્ચે આ આહિર દંપતીએ જબરી મક્કમતા દર્શાવી હતી.

- Advertisement -

કલ્પેશભાઈ અને સપનાબેને પોતાના અદમ્ય આત્મવિશ્ર્વાસ, અતૂટ હિંમત અને પરસ્પરના સાથ સહકારના બળે તમામ મુશ્કેલીઓ અને પ્રતિકૂળતાઓને માત આપીને આ સાહસિક સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ દુર્લભ અને પ્રશંસનીય સિદ્ધિ મેળવીને તેઓ જ્યારે 19,024 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યા, ત્યારે પંથકનું ગૌરવ સાતમા આસમાને પહોંચ્યું હતું.

આહિર દંપતીની આ નોંધપાત્ર અને ઐતિહાસિક સફળતાના સમાચાર ચૂર ગામ સહિત સમગ્ર કલ્યાણપુર અને ભાટિયા પંથકમાં વાયુવેગે પ્રસરતા જ સર્વત્ર ગૌરવ અને અપાર આનંદની લાગણી છવાઈ ગઈ છે. છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવીને લદ્દાખના સર્વોચ્ચ શિખર પર બાઈકિંગ ક્ષેત્રે ડંકો વગાડનાર કલ્પેશભાઈ આહીર અને સપનાબેન આહીર પર ચૂર ગામના ગ્રામજનો, સ્નેહીજનો અને અગ્રણીઓ દ્વારા સોશિયલ મીડિયા તેમજ રૂબરૂમાં અભિનંદનની વ્યાપક વર્ષા થઈ રહી છે. આ દંપતિએ સાબિત કર્યું છે કે, જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો ગમે તેવા કપરા ભૌગોલિક પડકારોને પણ પાર કરી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular