લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતાં યુવાને હાથ ઉછીના રૂપિયા આપ્યાના બનાવમાં ચેક રીટર્ન થતાં કોર્ટ કેસ પાછો ખેંચી લેવા માટે શખ્સે યુવાનની હોસ્પિટલે આવી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના મોડપર ગામમાં રેલવેસનની બાજુમાં રહેતાં ભાવેશભાઇ રામાભાઇ ગાગિયા (ઉ.વ.29) નામના યુવાને જામનગરમાં સેટેલાઇટ પાર્કમાં રહેતાં મયૂર કરશન ફળદુ નામના શખ્સને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા. આ રૂપિયા પેટે મયૂરએ આપેલો ચેક રિટર્ન થવાથી ભાવેશભાઇએ ખંભાળિયા કોર્ટમાં કેસ કર્યો હતો. જે કેસ ચાલતો હતો તે પાછો ખેંચી લેવા મયૂર અવારનવાર દબાણ કરતો હતો. દરમ્યાન ગત્ તા. 09ના રોજ બપોરના સમયે ભાવેશભાઇ રાસંગપર સબસેન્ટર (સરકારી હોસ્પિટલ)માં તેની નોકરી પર હતા. તે દરમ્યાન મયૂરએ આવીને કોર્ટકેસ પાછો ખેંચી લેવા વાતચીત દરમ્યાન ઉશ્કેરાયેલા મયૂરએ ગાળો આપી હતી. જેથી ભાવેશભાઇએ ગાળો આપવાની ના પાડતાં મયૂરએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ભાવેશભાઇના પરિવારને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની ભાવેશભાઇ દ્વારા કરાયેલી જાણના આધારે હે.કો. આર. એન. થાનકી તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


