જો તમે પણ અજાણ્યા નંબર પરથી આવતા સ્પામ કે પ્રમોશનલ કોલ્સથી બચવા માટે ટ્રુકોલર (Truecaller) એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, તો આગામી દિવસોમાં આ અનુભવ બદલાઈ શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અને ટ્રુકોલર વચ્ચે એક નવો કાનૂની વિવાદ સામે આવ્યો છે, જેના કારણે એપની કામગીરી પર મોટી અસર પડી શકે છે.
શું છે સમગ્ર વિવાદ?
TRAI નું માનવું છે કે કોલર આઈડી એપ્સ દ્વારા સરકારી નિયમ હેઠળ ફાળવાયેલા ચોક્કસ નંબરોને સ્પામ તરીકે દર્શાવવામાં આવતા હોવાથી યુઝર્સ સુધી જરૂરી વિગતો પહોંચતી નથી. બીજી તરફ, ટ્રુકોલરની દલીલ છે કે જો યુઝર્સને શંકાસ્પદ કોલ્સ અંગે એલર્ટ નહીં કરવામાં આવે, તો દેશમાં સાયબર છેતરપિંડી અને સ્પામ કોલ્સનું જોખમ ખૂબ વધી જશે.
આ મામલે હવે કાયદાકીય વળાંક લીધો છે. TRAI એ સરકારના આઈટી મંત્રાલય (MeitY) પાસે એવી સત્તાઓ માંગી છે જેનાથી તે ટ્રુકોલર, વ્હોસ્કોલ (Whoscall) અને હિયા (Hiya) જેવી એપ્સ સામે સીધા પગલાં લઈ શકે, કારણ કે હાલમાં આ એપ્સ ટેલિકોમ લાયસન્સના દાયરામાં આવતી નથી.
140 અને 1600 સિરીઝના નંબરોનું ગણિત
- સરકારે કોમર્શિયલ અને ઓફિશિયલ કોલ્સને સરળતાથી ઓળખવા માટે બે અલગ-અલગ નંબર શ્રેણી નક્કી કરી છે:
- 140 સિરીઝ: આ નંબરોનો ઉપયોગ ફક્ત માર્કેટિંગ, પ્રમોશનલ અને ટેલિમાર્કેટિંગ કોલ્સ માટે થાય છે.
- 1600 સિરીઝ: આ નંબરો બેંકો, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓને જરૂરી વ્યવહારો કે સેવાની માહિતી આપવા માટે ફાળવવામાં આવ્યા છે.
TRAI નો વાંધો અને ટ્રુકોલરનો પલટવાર
- TRAI નું વલણ: જો ટ્રુકોલર જેવી એપ્સ 140 અને 1600 સિરીઝના નંબરોને સ્પામ તરીકે બ્લોક કરશે, તો લોકો બેંક એલર્ટ, પેમેન્ટ અપડેટ્સ જેવી મહત્વની વિગતો જોવાનું ચૂકી જશે. આથી આવી એપ્સે આ સત્તાવાર નંબરો પર ‘સ્પામ’ નું ટેગ ન લગાવવું જોઈએ.
- ટ્રુકોલરનો જવાબ: કંપનીના ઇન્ડિયા ચીફ રિષિત ઝુનઝુનવાલાના જણાવ્યા અનુસાર, તેમણે સરકારી નિયમોનું પાલન કરીને આ સિરીઝ પર પરંપરાગત સ્પામ વોર્નિંગ આપવાનું બંધ કર્યું છે. પરંતુ તેનાથી જોખમ વધ્યું છે. યુઝર્સ રોજ સરેરાશ 4 લાખ જેટલા (140 સિરીઝના) અને 1.2 લાખ જેટલા (1600 સિરીઝના) કોલ્સ મેન્યુઅલી બ્લોક કરી રહ્યા છે. આથી કંપનીએ ‘સ્પામ’ લખવાને બદલે હવે નવું ‘Frequently Blocked’ (વધુ બ્લોક કરાયેલ) લેબલ શરૂ કર્યું છે, જેથી યુઝર્સ સતર્ક રહી શકે.
ભવિષ્યમાં શું બદલાશે?
જો આઈટી મંત્રાલય દ્વારા TRAI ની ભલામણો સ્વીકારવામાં આવશે, તો ડિજિટલ કોલ મેનેજમેન્ટ એપ્સ માટે અત્યંત કડક નિયમો લાગુ થશે. કયા નંબરને સ્પામ ગણવો અને કયા નંબરને નહીં, તેના પર સરકારનું સીધું નિયંત્રણ આવી શકે છે. જો કે, ટ્રુકોલરનું કહેવું છે કે ગ્રાહકોની સુરક્ષા માટે વાસ્તવિક ડેટાના આધારે જ નિર્ણયો લેવાવા જોઈએ.


