Tuesday, July 7, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ સામે શાસક પક્ષના જ કોર્પોરેટરનો આક્ષેપ - VIDEO

જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ સામે શાસક પક્ષના જ કોર્પોરેટરનો આક્ષેપ – VIDEO

જામનગર મહાનગરપાલિકાની કામગીરીને લઈને હવે વિરોધ પક્ષ નહીં પરંતુ શાસક પક્ષના જ કોર્પોરેટરોએ ખુલ્લેઆમ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે. વોર્ડ નંબર 11ના કોર્પોરેટર પ્રકાશ તેજાભાઈ રાઠોડે મહાનગરપાલિકાના અધિકારીઓની કાર્યશૈલી સામે આકરા પ્રહારો કરતાં ગંભીર આક્ષેપો કર્યા છે અને વર્ષોથી એક જ જગ્યાએ જમાવટ કરીને બેઠેલા અધિકારીઓની તાત્કાલિક આંતરિક બદલી કરવાની માંગ સાથે કમિશનરને લેખિત રજૂઆત કરી છે.

- Advertisement -

કોર્પોરેટર પ્રકાશ રાઠોડે જણાવ્યું કે, સરદારનગર સોસાયટીમાં રોડનું કામ મંજૂર થયા છતાં ભુગર્ભ ગટરની એન.ઓ.સી.ના બહાના હેઠળ વિકાસકાર્ય અટકાવવામાં આવ્યું. ત્યારબાદ સોસાયટીના રહીશોએ લેખિતમાં સ્પષ્ટ કર્યું કે હાલની ગટર વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત છે અને નવી લાઇનની જરૂર નથી. તેમ છતાં અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળીને કામ ટાળી રહ્યા છે અને લોકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સતત ધક્કા ખવડાવી રહ્યા છે.

- Advertisement -

તેમણે સીધા શબ્દોમાં આક્ષેપ કર્યો કે, મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય લેવાતો નથી. માત્ર ફાઇલ એક ટેબલથી બીજી ટેબલ સુધી ફેરવવામાં આવે છે અને અરજદારોને ગોળગોળ જવાબો આપવામાં આવે છે.

- Advertisement -

કોર્પોરેટરે વધુમાં પ્રશ્ર્ન ઉઠાવ્યો કે, જ્યારે શાસક પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરની રજૂઆતને પણ ગંભીરતાથી લેવામાં આવતી નથી, ત્યારે સામાન્ય નાગરિકોના પ્રશ્ર્નોનું શું થતું હશે? લોકો વિશ્વાસ રાખીને પોતાના વિસ્તારના કોર્પોરેટર પાસે સમસ્યા લઈને આવે છે, પરંતુ અધિકારીઓની ઉદાસિનતા અને મનમાનીના કારણે કોર્પોરેટરો પણ નિરાધાર બની રહ્યા છે.

તેમણે જન્મ-મરણના દાખલા માટે શહેરમાં માત્ર એક જ સેન્ટર કાર્યરત હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. શહેરના અન્ય સેન્ટરો લાંબા સમયથી બંધ હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે પણ કમિશનર, મેયર અને સંબંધિત ચેરમેનને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.

પ્રકાશ રાઠોડે સૌથી ગંભીર માંગણી તરીકે વર્ષોથી એક જ વિભાગ અને એક જ બેઠક પર કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓની આંતરિક બદલી કરીને તેમને અન્ય વિભાગોમાં મુકવાની માંગ કરી છે. લાંબા સમયથી એક જ જગ્યાએ બેસી રહેવાથી જવાબદારીની ભાવના ઘટી ગઈ હોવાનું અને કામગીરીમાં પારદર્શિતા તથા જવાબદારીનો અભાવ સર્જાયો હોવાનું આક્ષેપો કર્યા છે.

આ સમગ્ર ઘટનાએ જામનગર મહાનગરપાલિકાની વહીવટી કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે વિરોધ પક્ષ દ્વારા આવા આક્ષેપો થતા હોય છે, પરંતુ હવે શાસક પક્ષના જ કોર્પોરેટર ખુલ્લેઆમ અધિકારીઓની કાર્યપદ્ધતિ સામે આક્ષેપો કરી રહ્યાં છે. જેના કારણે પાલિકાના આંતરિક વહીવટ, જવાબદારી અને કામગીરીની અસરકારકતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.

કોર્પોરેટરના આક્ષેપો મુજબ પાલિકાના અનેક વિભાગોમાં સમયસર કામ થતા નથી, અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને ફાઇલો ફેરવવામાં વ્યસ્ત રહે છે, અરજદારોને સ્પષ્ટ જવાબ મળતા નથી અને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે. પરિણામે વિકાસકાર્યો અટકી રહ્યા છે અને નાગરિકોમાં અસંતોષ વધી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular