Wednesday, July 1, 2026
Homeરાજ્યહાલારદ્વારકાધીશ મંદિરમાં મહિલા પોલીસકર્મી ઉપર હુમલો અને ધમકી

દ્વારકાધીશ મંદિરમાં મહિલા પોલીસકર્મી ઉપર હુમલો અને ધમકી

મંદિર પરિસરમાં લાઇનમાં રહેવા માટે સમજાવતાં મામલો મેદાને : પાંચ દર્શનાર્થીઓ દ્વારા મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તન : ઇજાગ્રસ્ત મહિલા પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા : પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ

યાત્રાધામ દ્વારકાધીશ મંદિર પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ફરજ બજાવી રહેલાં મહિલા પોલીસ કર્મચારી પર હુમલો તથા ગેરવર્તણૂંકની ઘટના સામે આવતાં પોલીસે સુરતના પાંચ પ્રવાસીઓ સામે મહિલા પોલીસકર્મીની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની માહિતી મુજબ દ્વારકાધીશ મંદિરમાં તા. 29મી જુનના પૂનમ હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા. દરમયાન મંદિર પરિસરમાં ભીડને નિયંત્રિત કરવા તેમજ દર્શનાર્થીઓની વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી હતી. આ દરમિયાન મહિલા લોકરક્ષક સેજલબેન જેસીંગભાઇ રાઠોડ પણ દ્વારકાધીશ મંદિર સુરક્ષા વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતાં. જેમાં સવારે આશરે 11-15 કલાકે લાઇનમાં ઉભેલા કેટલાક દર્શનાર્થીઓએ નિયમનો ભંગ કરી આગળ જવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે અન્ય દર્શનાર્થીઓ સાથે બોલાચાલી થતાં ફરજ પર રહેલા મહિલા પોલીસ કર્મચારી સેજલબેન તેમજ એસઆરપીના એએસઆઇ રામભાઇ બોળીયાએ તેમને સમજાવી શાંતિ જાળવવા અને યોગ્ય રીતે લાઇનમાં રહેવા જણાવ્યું હતું.

દર્શનાર્થીને લાઇનમાં રહેવા માટે સમજાવવા જતાં પાંચ દર્શનાર્થીઓએ ઉશ્કેરાઇને મહિલા પોલીસ કર્મચારી સાથે ગેરવર્તન કરી અને ત્રણ મહિલાએ સેજલબેન સાથે ઝપાઝપી કરી, માર મારી અને વાળ ખેંચ્યા હતાં. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. સાથેના બે પુરૂષોએ પણ દરમિયાનગીરી કરનાર લોકોને રોકવાનો પ્રયાસ કરી ગાળો આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ દરમિયાન મહિલા પોલીસ કર્મચારીના યુનિફોર્મને નુકસાન થયું હતું તેમજ વ્હીસલ ગાર્ડ અને સોલ્ડર બેઝ ખેંચાઇ ગયા હતાં. કાનની બુટી પણ પડી ગઇ હતી.

- Advertisement -

હુમલામાં ઇજાગ્રસ્ત મહિલા પોલીસ કર્મચારીને મોઢા તથા કાનના ભાગે ઇજાઓ થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. તેઓની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનમાં મારામારી, સરકારી કર્મચારીની ફરજમાં અડચણ, ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ પીઆઇ એન. એસ. ગોહિલે હેમેશ્વરી અનીલભાઇ પાટીલ, સીમાબેન ત્રિભુવનદાસ દેવરે, સંગીતાબેન અનીલભાઇ પાટીલ, ચેતનભાઇ અનીલભાઇ પાટીલ અને અજય મનોહર વાઘ નામના પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular