ખંભાળિયા શહેર નજીકના હાપીવાડી વિસ્તારમાં રહેતા એક સતવારા યુવાનનું તાજેતરમાં કતર ખાતે થયેલા બ્લાસ્ટમાં કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.

આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા શહેર નજીકના હાપીવાડી વિસ્તારમાં રહેતા કિરીટભાઈ જેન્તીભાઈ કણજારીયા નામના આશરે 31 વર્ષના સતવારા યુવાન થોડા સમય પૂર્વે તેમના કામ-ધંધા અર્થે ઓમાનના કતર ખાતે ગયા હતા. અહીંના એક જાણીતા નેચરલ ગેસ કોમ્પ્લેક્ષમાં રવિવારે ગેસ પ્લાન્ટમાં એકાએક ભયંકર વિસ્ફોટ થવા પામ્યો હતો. જેના કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી.
આ દુર્ઘટનામાં સ્થાનિક તેમજ ભારતીય સહિત આશરે 70 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય છે. તેમાં ત્રણ યુવાનો ગુજરાતના હતા. ત્યારે આ પ્રચંડ વિસ્ફોટમાં અહીંના હાપીવાડી વિસ્તારના કિરીટભાઈ કણજારીયાનું પણ ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. આ દુર્ઘટનામાં વિસ્ફોટનો આંચકો સેંકડો કિલોમીટર દૂર સુધી અનુભવાયો હતો.
આ બનાવને અનુલક્ષીને ભારતીય દૂતાવાસ પણ કતારના અધિકારીઓ તેમજ મૃતક ભારતીય પરિવારના સંપર્કમાં રહ્યા છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક કિરીટભાઈને છ વર્ષનો એક પુત્ર તથા દોઢ વર્ષની એક પુત્રી છે અને તેઓને સોમવાર તા. 22 જૂનના રોજ ભારત પરત આવવાની ટિકિટ હતી. તે પૂર્વે રવિવાર તા. 21 જૂનના રોજ આ કરુણાંતિકા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટરી ધરાવતા કિરીટભાઈ કણજારીયાને આ પ્રકારની ખાનગી કંપનીમાં મેન્ટેનન્સની કામગીરીમાં અનુભવ સાથે સારી એવી પકડ હતી અને આ કામ માટે તેઓ મર્યાદિત સમય માટે કતાર ગયા હોવાનું પણ અંતરંગ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.
તેમના મૃતદેહને સંભવત: એક-બે દિવસમાં જ અહીં તેમના વતનમાં લાવવામાં આવનાર છે. આ કરુણ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે સમગ્ર સતવારા સમાજમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.


