જામનગર શહેરની સિદ્ધનાથ સોસાયટીમાં યુવક ઉપર પિતા અને બે સંતાનોએ સહિતનાએ જાતિ વિષયક અપમાનિત કરી ઢીકાપાટુનો માર મારી તથા પાવડા વડે માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના જગન્નાથ મંદિર પાસે આવેલી સિદ્ધનાથ સોસાયટી, શેરી નંબર બેમાં રહેતાં ગિરધરભાઇ કરશનભાઇ ચાંડપા નામના યુવાનનો પુત્ર ઘરમાં ચડ્ડી પહેરીને ફરતો હતો. જે બાબતે પાડોશી દિશાએ યુવક સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ રાત્રિના સમયે યુવકે દિશાને, “તું કેવી છો? તારા પપ્પાને કહી દઉં?’ તેમ કહેતા રમેશ નારણ ખીંચ તેની પુત્રી દિશા રમેશ ખીંચ, મીત્તલ રમેશ ખીંચ નામના પિતા અને બે સંતાન સહિતના શખ્સોએ યુવાનના પુત્ર હાર્દિક અને વિવેક ઉપર પાવડા અને પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ ગિરધરભાઇની પત્ની તથા પુત્ર અશ્ર્વિનને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળાગાળી કરી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂદ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


