Saturday, June 13, 2026
Homeવિડિઓખડખંભાળિયા ગામમાં 108 સેવા પર સવાલ - VIDEO

ખડખંભાળિયા ગામમાં 108 સેવા પર સવાલ – VIDEO

ઈજાગ્રસ્ત બાળક માટે એમ્બ્યુલન્સ ન મળતા પિતાની સોશિયલ મીડિયા પર મદદની અપીલ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગામના રહેવાસી અલાઉદ્દીનભાઈ નોયડાએ પોતાના ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અપાવવા માટે 108 સેવાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વારંવાર કોલ કરવા છતાં ફોન ન લાગતા સમયસર ઈમરજન્સી સેવા મળી શકી ન હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, બાળક પડી જતાં તેને ઈજા પહોંચી હતી. આવી સ્થિતિમાં તાત્કાલિક સારવાર અને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે 108 એમ્બ્યુલન્સ સૌથી મહત્વપૂર્ણ સેવા ગણાય છે. જોકે, પરિવારજનોના જણાવ્યા અનુસાર અનેક વખત ફોન કરવા છતાં 108 પર સંપર્ક થઈ શક્યો નહોતો, જેના કારણે બાળકને સમયસર સારવાર માટે પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ ઘટનાથી વ્યથિત બનેલા બાળકના પિતા અલાઉદ્દીનભાઈ નોયડાએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં તેમણે 108 સેવાનો ફોન ન લાગતો હોવાની ફરિયાદ સાથે જવાબદાર તંત્રને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી હતી. સાથે જ અન્ય લોકો પણ આવી પરિસ્થિતિમાં મુશ્કેલીનો ભોગ ન બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

- Advertisement -

ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માત, અચાનક બિમારી કે અન્ય ઈમરજન્સી પરિસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ સેવા લોકો માટે જીવનદાયી સાબિત થાય છે. પરંતુ જો ઈમરજન્સીના સમયે ફોન જ ન લાગે તો દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સમયસર સારવાર ન મળવાથી દર્દીની સ્થિતિ વધુ ગંભીર બનવાની પણ શક્યતા રહે છે.

- Advertisement -

આ ઘટનાએ ફરી એકવાર 108 ઈમરજન્સી સેવાની કાર્યક્ષમતા અને કોલ સેન્ટરની સુવિધાઓ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. હવે સંબંધિત તંત્ર દ્વારા આ ફરિયાદની તપાસ કરીને ખામી દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ દર્દીને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular