જામનગરના વરિષ્ઠ નાગરિક તથા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ માનદ મંત્રી વરિષ્ઠ નાગરિક શ્રેણિક મહેતાએ શહેરના જળસંકટના લાંબા ગાળાના ઉકેલ માટે એક મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે વહીવટી તંત્રને અપીલ કરી છે કે ચંગા ડેમમાંથી છોડવામાં આવનાર વધારાના પાણીનો સદુપયોગ કરીને જામનગરના ઐતિહાસિક લાખોટા તળાવને ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલી પ્રેસ નોટ મુજબ ચંગા ડેમ હેઠળના કેટલાક ચેકડેમ ભરવાના હોવાથી સોમવારે સવારે 5:00 થી 9:00 વાગ્યા દરમિયાન ચંગા ડેમમાંથી પાણી છોડવામાં આવનાર છે. શ્રેણિક મહેતાએ જણાવ્યું છે કે આ પાણી રંગમતી નદી મારફતે સીધું દરિયામાં વહી જવાને બદલે તેનો સંગ્રહ કરવામાં આવે તો શહેરને લાંબા ગાળે મોટો ફાયદો થઈ શકે છે.
દરેડ વિસ્તાર પાસે રાજાશાહી સમયની આશરે 150 વર્ષ જૂની ફીડિંગ કેનાલ આવેલી છે, જે ભૂતકાળમાં લાખોટા તળાવ ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી. જો આ કેનાલના દરવાજા બંધ હોય તો તેને તાત્કાલિક ખોલવામાં આવે તેમજ જ્યાં જરૂરી હોય ત્યાં સફાઈ અને મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવે, જેથી પાણીનો પ્રવાહ સરળતાથી લાખોટા તળાવ સુધી પહોંચી શકે.
હાલમાં લાખોટા તળાવ લગભગ ખાલી સ્થિતિમાં છે. જો ચંગા ડેમમાંથી છોડવામાં આવતું પાણી તળાવમાં પહોંચાડવામાં આવે તો શહેરના જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થશે અને ભૂગર્ભ જળના સ્તરમાં પણ સુધારો થશે. તેના કારણે ભવિષ્યમાં પાણીની અછત સર્જાય તો શહેરવાસીઓને બોર અને ડંકીના પાણીનો પણ પૂરતો લાભ મળી શકશે.
હવામાન વિભાગ દ્વારા આ વર્ષે અલ-નીનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં પાણીનો એક-એક ટીપો બચાવવો અને તેનો યોગ્ય સંગ્રહ કરવો સમયની માંગ છે.
આ મુદ્દે તેમણે જામનગરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, સિટી એન્જિનિયર તેમજ રાજ્ય સરકારના સંબંધિત મંત્રીઓ અને અધિકારીઓને અપીલ કરી છે કે સોમવારે પાણી છોડવામાં આવે તે પહેલાં જ જરૂરી વહીવટી અને તકનીકી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે, જેથી કિંમતી પાણીનો બગાડ અટકાવી જામનગરના હિતમાં તેનો મહત્તમ ઉપયોગ થઈ શકે.
શહેરના જળભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે લાખોટા તળાવને ફરી એકવાર જીવંત બનાવવાનો આ પ્રયાસ સમયોચિત અને લોકહિતનો નિર્ણય સાબિત થઈ શકે છે.


