આફ્રિકાના કેટલાક દેશોમાં ઇબોલા વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને દેશભરમાં આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. યુગાન્ડા, દક્ષિણ સુદાન સહિતના વિસ્તારોમાં ઇબોલાના કેસોમાં વધારો નોંધાતા ભારત સરકારે વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ કર્યું છે. ગુજરાતમાં પણ એક શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા આરોગ્ય તંત્રને જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે.
આ પરિસ્થિતિ વચ્ચે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ઇબોલા વાયરસના સંભવિત દર્દીઓ માટે ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ હોસ્પિટલમાં 35 બેડનો અલગ વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો હોવાનું હોસ્પિટલના અધિક્ષક ડો. વિજય પોપટ એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે સાંજના સમયે આ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જી.જી. હોસ્પિટલના સિનિયર ડોકટરો, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીઓ સહિતના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા . બેઠક દરમિયાન રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલી ગાઇડલાઇન અંગે ચર્ચા કરવામાં આવી.
View this post on Instagram
હોસ્પિટલ તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ જામનગરમાં ઇબોલાનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે અગાઉથી જ તમામ તૈયારી કરવામાં આવી રહી છે.
કોરોના મહામારી દરમિયાન જી.જી. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બેડ, ઓક્સિજન સુવિધાઓ અને ખાસ સારવાર વિભાગો ઉભા કરવામાં આવ્યા હતા. તે જ અનુભવના આધારે હવે ઇબોલા જેવા ગંભીર વાયરસ સામે પણ હોસ્પિટલ તંત્ર સજ્જ બની રહ્યું છે. હાલના 35 બેડ ઉપરાંત વધુ એક 35 બેડનો આઇસોલેશન વોર્ડ પણ ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.
ઇબોલા વાયરસ અત્યંત ગંભીર અને ચેપજન્ય રોગ માનવામાં આવે છે. આ રોગનો ઉદ્ભવ આફ્રિકાના જંગલ વિસ્તારોમાંથી થયો હોવાનું માનવામાં આવે છે. દર્દીમાં તાવ, શરીરમાં નબળાઈ, ફોલ્લા, આંતરિક રક્તસ્ત્રાવ જેવા લક્ષણો જોવા મળી શકે છે અને તેનું સંક્રમણ ઝડપથી ફેલાવાની શક્યતા રહે છે.
તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા, પરંતુ ગભરાટ ન ફેલાવવા અને આરોગ્ય વિભાગની સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.


