ખંભાળિયાના કુવાડિયા પાસે ધોરીમાર્ગ પર જઇ રહેલા બાઇકચાલક આધેડને માર્ગમાં ખૂંટિયો ઉતરતા ઓચિંતી બ્રેક મારતા બાઇક સ્લીપ થવાથી ડિવાઇડર સાથે અથડાતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં પાંચવાડી ખાતે રહેતા રવજીભાઈ વશરામભાઈ નકુમ (ઉ.વ. 52) નામના આધેડ ગત્ તા. 5 મેના પોતાના જીજે10 એજી 8420 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ખંભાળિયા – દ્વારકા માર્ગ પર આશરે 8 કિલોમીટર દૂર કુવાડિયા ગામના પાટીયા પાસે આવેલી આદર્શ સ્કૂલ પાસે પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક ખૂંટિયો ઉતરી આવ્યો હતો. જેના કારણે રવજીભાઈ નકુમનું મોટરસાયકલ સ્લીપ થઈ ડિવાઇડર સાથે અથડાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા વધુ સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર મેહુલભાઇ દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


