જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એકવખત ગેરકાયદેસર ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી અંતર્ગત ઇસ્કોન મંદિર પાસે 1,20,000 ચો. ફુટ જગ્યામાં ખડકાયેલા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ તોડી પાડવા માટે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામગીરી પૂર્ણ થયે આશરે 50 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવશે.
મળતી વિગત મુજબ જામનગર શહેરના અનેક વિસ્તારોમાં સરકારી જમીનો ઉપર આડેધડ, બેખૌફ ગેરકાયદેસર બાંધકામો ખડકાઇ ગયા છે. આ બાંધકામો થાય ત્યાં સુધી ધ્યાને આવતું નથી અને ત્યારબાદ બે-પાંચ કે દસ વર્ષે સરકારી તંત્ર જાગે ત્યારે ગેરકાયદેસર બાંધકામધારકને નોટીસ ફટકાર્યા બાદ પાડતોડ કામગીરી કરવામાં આવે છે. આવી જ એક કામગીરી મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાની સૂચનાથી એસ્ટેટ ઓફિસર કેતન કટેશિયા તથા સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મહાનગરપાલિકાની ફાયર શાખા, સિક્યોરિટી, સ્લમ અને લાઇટ શાખા સહિતની ટૂકડીઓએ આજે સવારથી જ 6 જેસીબી અને ચાર ટ્રેકટર દ્વારા જામનગર-હાપા રોડ ઉપર ઇસ્કોન મંદિર નજીક ખડકાયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવા કામગીરી હાથ ધરવામાં એકાદ માસ પૂર્વે પણ આ જ જગ્યાએ ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં.
View this post on Instagram
જ્યારે આજે મહાનગરપાલિકાની એસ્ટેટ સહિતની શાખાઓ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ 23 જેટલાં બાંધકામો તોડી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પાડતોડ કામગીરી પૂર્ણ થયે અંદાજે 50 કરોડથી વધુ કિંમતની 1,20,000 ચો. ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને આ જગ્યાએ આવાસ બનાવવામાં આવશે.


