અધિક માસ એટલે પવિત્ર અને પુણ્યમય પુરુષોત્તમ માસ. આ માસ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન વિષ્ણુની ભક્તિ, સેવા, જપ-તપ અને સત્સંગ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણના પૂજન, દર્શન અને સેવા-સ્મરણનું વિશેષ મહત્વ રહેલું હોય છે. યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદી કાંઠે આવેલા ઐતિહાસિક પુરુષોત્તમજી ઘાટ અને ત્યાં બિરાજમાન પુરુષોત્તમજી મંદિર ખાતે આ દિવસોમાં ભક્તોની ભારે અવરજવર જોવા મળી રહી છે.
પુરુષોત્તમજી મંદિરનો ઈતિહાસ અત્યંત પ્રાચીન અને વૈભવી માનવામાં આવે છે. ઈતિહાસવિદોના મત અનુસાર આ મંદિર આશરે ત્રણસો વર્ષથી પણ વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે. ગોમતી કાંઠે સ્થિત આ પવિત્ર ધામમાં વર્ષો થી ભક્તિ, સેવા અને પરંપરાનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો છે.
પુરુષોત્તમ માસ દરમિયાન ખાસ કરીને શ્રદ્ધાળુ બહેનો દ્વારા કાંઠાગોરની પૂજા કરવામાં આવે છે. આ પ્રસંગે આંબુડું જાંબુડું જેવા ભક્તિભર્યા વૃંદગાન ગવાય છે, જેમાં રાય દામોદરજીનો ઉલ્લેખ પણ આવે છે. રાય દામોદરજીનું પવિત્ર સ્થાન પણ પુરુષોત્તમજી મંદિરની સમીપે આવેલું હોવાથી આ સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક ભાવનાથી ઓતપ્રોત બની જાય છે.
મંદિરની સેવા-પૂજાનો ઈતિહાસ પણ વિશેષ મહત્વ ધરાવે છે. કહેવાય છે કે રાજસ્થાનના બુંદી, કોટા અને જોધપુરના શ્રેષ્ઠીઓએ મંદિરની સેવા-પૂજાનો હક્ક મથુરાદાસ પાઢ પરિવારને સોંપ્યો હતો. હાલ પુજારી ઘનશ્યામ જવાહરલાલ પાઢ તથા તેમના પુત્રો અને પરિવારજનો દ્વારા મંદિરની સેવા-પૂજા અને પરંપરાઓ નિષ્ઠાપૂર્વક સંભાળવામાં આવી રહી છે. પુરુષોત્તમજી મંદિરનું મહત્વ અનેક ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલું છે. માન્યતા મુજબ ગંગા, યમુના, નર્મદા, કાવેરી અને ગોમતી જેવી પવિત્ર નદીઓના જળનો સંગમ દ્વારકાના સમુદ્રમાં થાય છે. તીર્થરાજ સમુદ્ર, વશિષ્ઠ તનયા ગોમતી અને સમુદ્રના સંગમ નજીક બિરાજમાન પુરુષોત્તમજીનું સ્થાન આથી અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ ગણાય છે. અહીં આવતા ભાવિકો ગોમતી સ્નાન, પૂજા-અર્ચના, પુરુષોત્તમજીના દર્શન, કથાશ્રવણ, ભજન-કીર્તન તેમજ દાન-દક્ષિણાનો લાભ લે છે. ખાસ કરીને શ્રદ્ધાળુ બહેનો માટે આ સ્થાન આધ્યાત્મિક શાંતિ અને ભક્તિનો અનોખો અનુભવ કરાવતું કેન્દ્ર બની રહે છે.
પ્રાચીન ગ્રંથ અનુસાર અધિક માસની મહિમા અપાર ગણવામાં આવી છે. આ માસને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ પોતે આ માસના સ્વામી બન્યા હોવાથી આ માસ તેમને અત્યંત પ્રિય માનવામાં આવે છે. અધિક માસના અધિષ્ઠાતા દેવ તરીકે શ્રી પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરવામાં આવે છે. પુષ્ટિમાર્ગમાં સેવા અને સ્મરણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવતું હોવાથી આ માસ દરમિયાન ભક્તિભાવ વધુ ઊંડો બને છે. ધાર્મિક માન્યતા મુજબ અધિક માસમાં કરવામાં આવતી સેવા, પૂજા, જપ, સત્સંગ અને કીર્તનનું ફળ અનેકગણું પ્રાપ્ત થાય છે. ભક્તો દ્વારા વિશેષ પૂજા-અર્ચના, ઠાકોરજીની સેવા, નામસંકીર્તન અને ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અધિક માસમાં સ્નાન, દાન, જપ, તપ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને દેવપૂજાનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે.
View this post on Instagram
પુરુષોત્તમજી મંદિરમાં આ દિવસોમાં દૈનિક વિશેષ શ્રૃંગાર, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ખાસ દિવસોમાં વિશેષ ભોગ, અન્નકૂટ અને ભક્તિમય કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિરસથી છલકાઈ ઊઠે છે. દ્વારકામાં પુરુષોત્તમ માસને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને આધ્યાત્મિક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.


