જોડિયા-ભાદરા રોડ ઉપર અનેક ડાયવર્ઝનના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આ રોડ બનતાં પહેલાં તો અનેકના ભોગ લેવાઇ જશે. દરમ્યાન મદ્યરાત્રિના આ રોડ પરથી પસાર થતી કાર અંધારાના કારણે અકસ્માત થતાં ચાલક યુવકનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જોડિયા-ભાદરા રોડ નવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ નવા બનતાં રોડના કારણે રોડ પર અનેક ડાયવર્ઝનો આવેલા છે. તેમાં પણ ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં ડાયવર્ઝનને કારણે અકસ્માતોની સંખ્યા વધી ગઇ છે. જો કે, આ ડાયવર્ઝનમાં તંત્ર દ્વારા લાઇટ કે રેડિયમ લગાડવામાં આવે તો અકસ્માતો મહદ્અંશે અટકાવી શકાય તેમ છે. પરંતુ તંત્રની કામગીરી તો અલગ જ હોય છે.
દરમ્યાન ગત્ મંગળવારની મધ્યરાત્રિના બે વાગ્યાના અરસામાં ધ્રોલ ગામમાં ફતેપુરા સોસાયટીમાં રહેતો મુસ્તફા રઝા ઇકબાલ ભલાયા (ઉ.વ.20) નામનો મેમણ યુવક તેના પાડોશી હારૂનભાઇ હમીરાણીની જીજે10 ઇસી 3543 નંબરની કાર લઇને જોડિયામાં ગુલાબશા પીરના ઉર્ષમાં જતો હતો. તે દરમ્યાન સવા બે વાગ્યાના અરસામાં કાર જોડિયા પાસ આવેલ આઇટીઆઇ કોલેજ નજીક પહોંચી હતી. જ્યાં ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. પરંતુ રાત્રિના અંધારાના કારણે ચાલક મુસ્તફા રઝાને ડાયવર્ઝન ન દેખાતાં કાર ડાયવર્ઝન સાથે અથડાતાં અકસ્માતમાં ચાલકને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું બુધવારે સાંજે સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા ઇકબાલભાઇ ભલાયા દ્વારા જાણ કરાતા હે.કો. ડી. આર. કાંબરિયા સ્ટાફ સાથે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આદરી હતી.


