જામનગરના ખંભાળિયા નાકા પાસે રહેતાં “બ્રધર” યુવક નિંદ્રાધિન હાલતમાં બેશુદ્ધ થઇ જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં આવેલી કંપનીમાં મજૂરીકામ કરતા યુવકને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામમાં ખેતમજૂર યુવકને ખેતરે ઉલ્ટી થતાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ પ્રથમ બનાવમાં ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સિમર ગામનો વતની અને હાલ જામનગરમાં ખંભાળિયાના નાકા પાસે આવેલી શ્રીજી બિલ્ડીંગની ‘ડી’ વિંગમાં રહેતો ભાર્ગવ મનસુખ શાંખટ (ઉ.વ.22) નામનો યુવક બ્રધર તરીકે ફરજ બજાવતા યુવકને ગત . તા. 17ના રોજ સાંજના સમયે તેનો મિત્ર પ્રદીપ કવાડ ચા પીવા માટે બોલાવવા જતાં ભાર્ગવ બેશુદ્ધ હાલતમાં જોવા મળતાં પ્રદીપે ભાર્ગવની પલ્સ તપાસતાં પલ્સ ઓછી આવતી હોય જેથી યુવકને તાત્કાલિક જામનગરની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન શનિવારે સવારના સમયે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતાં એએસઆઇ બી. વી. પરમાર તથા સ્ટાફએ હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ ચિતોડ જિલ્લાના લિંબાડા તાલુકાના અરણિયા ગામનો વતની અને હાલ ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં આવેલી રવિ ટેકનો લિ. કંપનીમાં કામ કરતાં સુખદેવભાઇ રામચંદ્રભાઇ તેરવા (ઉ.વ.18) નામના યુવકને શ્વાસની તકલીફ હોવાની સારવાર કરાવ્યા બાદ તબિયત સારી થઇ જતાં રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ તા. 17ના રાત્રિના સમયે ફરીથી શ્વાસ લેવામાં તકલીફ પડવાથી સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેઓનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ કિશન દ્વારા જાણ કરાતાં હે.કો. ડી. પી. વઘોરા તથા સ્ટાફએ હોસ્ટિપલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત મોતનો ત્રીજો બનાવની મળેલી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના રીંગોલ ગામના વતની હાલ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામમાં ખેતમજૂરી કરતો યવાન મનેશ ઉર્ફે મનિષ ભરતભાઇ પરમાર (ઉ.વ.20) નામના આદિવાસી યુવાનને કાંતિભાઇ સોલંકીની વાડીએ ગત્ તા. 15ના રોજ સવારના સમયે કામ કરતા સમયે ચક્કર આવતા ઉલ્ટી થવાથી બેશુદ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે સૌપ્રથમ ધ્રોલ અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે યુવકના પિતા ભરતભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફએ હોસ્ટિપલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


