જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી તરૂણીએ તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી. કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતી માનસિક બિમાર યુવાનએ જિંદગીથી કંટાળી ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કરી છે.
આત્મહત્યાના બનાવની મળતી વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટી, શેરી નંબર બેમાં રહેતા દીપસંગ વાઘુભા જાડેજા નામના યુવાનની પુત્રી વિદ્યાબા દીપસંગ જાડેજા (ઉ.વ.16) નામની તરૂણીએ શુક્રવારે રાત્રિના સમયે તેણીના ઘરે બાથરૂમના પાઇપમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હે.કો. ડી. એન. ત્રિવેદી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી તરૂણીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
બીજા બનાવની મળેલી વિગત પ્રમાણે કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતાં હુશેન હાસમભાઇ નકાણી (ઉ.વ.40) નામના મજૂરીકામ કરતાં યુવાનને થોડાં સમયથી માનસિક બિમારી વળગી હતી. આ બિમારીથી કંટાળીને ગુરૂવારે રાત્રિના સમયે નિકાવાથી પીપર જવાના માર્ગ પર આવેલી જેન્તીભાઇ શેખાવૈયાના ખેતરમાં આવેલા દેશી બાવળની જાડી ડાળમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના ભાઇ હનિફ દ્વારા જાણ કરાતા એએસઆઇ પી. પી. જાડેજા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


