જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્યમાં ગઇકાલે કાતિલ પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડા અને વરસાદે ભારે તારાજી સર્જી હતી. જો કે, આ કુદરતી આફતમાં મોટી જાનહાનિ થઇ ન હતી. પરંતુ અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. સાથે સાથે પીજીવીસીએલના અનેક વીજપોલ અને જેટકોના મોટા થાંભલાઓ પણ વાવાઝોડાનો માર સહન કરી શકયા ન હતાં. મોટાં અને જંગી ટાવરો પણ વાવાઝોડાના મારથી ધરાશાયી થઇ ગયા હતા. વીજપોલ અને ટાવર ધરાશાયી થવાથી અનેક વાયરો તૂટીને જોખમી બની ગયા હતાં. હાલારમાં કુદરતી આફતના કારણે પીજીવીસીએલ અને જેટકોના વીજપોલ અને ટાવરો ધરાશાયી થતાં મોટાભાગના વિસ્તારોનો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો અને સાથે સાથે ટાવરો ધરાશાયી થતાં હેવીલાઇનો બંધ કરવાની ફરજ પડી હતી.

જામનગર શહેરમાં પીજીવીસીએલના 100 જેટલા વીજપોલોમાં નાનું મોટું નુકશાન થયું હતું. જ્યારે 11,000 વોલ્ટના ફિડરમાંથી 95 ફિડરની લાઇનો ઉપર ઝાડની ડાળીઓ, લોખંડના બોર્ડ, કાપડ સહિતની અનેક ચીજવસ્તુઓ વાવાઝોડાના કારણે આવી પડી હતી. તેમજ જેટકોના 220 કે.વી.ના બે મોટા અને 132 કે.વી.નું એક મોટું ટાવર જમીનદોસ્ત થઇ ગયા હતા. વાવાઝોડાના કહેરને કારણે જામનગર અને દ્વારકા જિલ્લાના 726 ગામોમાંથી 452 ગામડાંઓમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. જેના કારણે જામનગર અને દ્વારકાની પીજીવીસીએલની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી આરંભી સતત સમારકામ હાથ ધરી 387 ગામોમાં વીજળી પૂર્વવત્ કરી હતી.
View this post on Instagram


