મોરબી જિલ્લાના હડમતિયા ગામમાં રહેતો યુવાન યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી યુવતીના બે ભાઇઓએ યુવાનનું અપહરણ કરી ઘરે લઇ જઇ લાકડીઓ વડે આડેધડ માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ મોરબી જિલ્લાના હડમતિયા ગામમાં રહેતાં ચેતનભાઇ નાગજીભાઇ વાંઝા (ઉ.વ.33) નામના યુવાને કાલાવડ તાલુકાના રણુજા ચોકડી પાસે રહેતી દીવાળીબેન સાથે ભાગી ગયો હતો. ત્યારથી યુવતીના ભાઇઓ દ્વારા આ બાબતનો ખાર રાખ્યો હતો. દરમ્યાન ગત્ તા. 25 ફેબ્રુઆરીના રોજ ચેતનભાઇ દ્વારકા જતો હતો ત્યારે યુવતીના બે ભાઇઓ મેરૂ દાડમભાઇ કાનાણી અને બળવંત દાડમભાઇ કાનાણી નામના બન્ને શખ્સોએ ચેતનને પકડીને તેના ઘરે લઇ ગયા હતા. જ્યાં બન્ને સાળાઓએ લાકડીઓ વડે આડેધડ હુમલો કરી શરીરે ઇજા પહોંચાડી હતી. આ બનાવ બાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ જે. એસ. ગોવાણી તથા સ્ટાફએ બે ભાઇઓ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


