ખંભાળિયા-જામનગર હાઇવે ઉપર કજૂરડા ગામના પાટિયા પાસે મોટરસાયકલ પર જઇ રહેલા દંપતીનું વાહન રિક્ષા હડફેટે ચઢી જતાં પાછળ બેસેલી મહિલાનું અકસ્માતમાં સારવાર દરમિયાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અકસ્માતના બનાવની વિગત મુજબ ખંભાળિયા-જામનગર હાઈવે પર આશરે 11 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસેથી જી.જે. 37 ક્યુ 3709 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને વાડીનારથી ખંભાળિયા તરફ જઈ રહેલા રફિકભાઈ તથા ફિરોઝાબેન નામના દંપતીના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક બજાજ રિક્ષાના ચાલકે સામેથી ઠોકર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા આ દંપતીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફિરોજાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. જ્યારે તેમના પતિ રફિકભાઈને વધુ સારવારઅર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જીને આરોપી રિક્ષાચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતક ફિરોજાબેનના નાનાભાઈ અમીનભાઈ દાઉદભાઈ ચમડિયાની જાણના આધારે પોલીસે બજાજ રિક્ષાના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ આરંભી છે.


