યાત્રાધામ દ્વારકામા ખાતે આવનારા ફૂલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખી મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા દ્વારકા તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. પદયાત્રીઓની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપતા જિલ્લા પોલીસ દ્વારા જામ ખંભાળીયા નજીક આરાધના ધામ ખાતે વિશાળ સેવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિરનો પ્રારંભ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા ના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. શિબિરમાં પદયાત્રીઓ માટે બપોર અને રાત્રિના ભોજન, આરામની વ્યવસ્થા, રાત્રિ રોકાણ, તબીબી સારવાર સહિતની વિવિધ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોલીસની અલગ-અલગ ટુકડીઓ સતત સેવા માટે કાર્યરત છે.
View this post on Instagram
જામ ખંભાળીયા પંથકમાંથી દરરોજ મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા તરફ જઈ રહ્યા છે. ત્યારે આ સેવા શિબિર પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શિબિરમાં ભોજન અને અન્ય સુવિધાઓનો લાભ લીધો હતો. જિલ્લા પોલીસ વડા તથા ઉપ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓએ પણ પદયાત્રીઓ સાથે ભોજન લઈ સેવા ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે હોળી-ધુળેટી ઉત્સવ દરમ્યાન દિવસ-રાત મોટી સંખ્યામાં પદયાત્રીઓ માર્ગ પર હોય છે, જેથી વાહનચાલકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે વાહનચાલકોને ઓછી ઝડપે વાહન ચલાવવા તથા ધીમે અને સતર્ક રીતે વાહન હંકારવા અનુરોધ કર્યો હતો.
ફૂલડોલ ઉત્સવને શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવા જિલ્લા પોલીસનો આ સેવા અભિગમ સર્વત્ર પ્રશંસનીય બની રહ્યો છે.


