Tuesday, February 24, 2026
Homeરાજ્યજામનગરફુલડોલ ઉત્સવ માટે લાખો પદયાત્રીઓનો અવિરત પ્રવાહ - VIDEO

ફુલડોલ ઉત્સવ માટે લાખો પદયાત્રીઓનો અવિરત પ્રવાહ – VIDEO

દ્વારકામાં હોળી નિમિત્તે ભક્તિનો મહામેળો

પવિત્ર પાવન નગરી દ્વારકામાં હોળીના પાવન પ્રસંગે ભક્તિનો અદભુત મહામેળો જામ્યો છે. રંગોના પર્વ હોળી અને ફુલડોલ ઉત્સવને લઇ રાજ્યભરના વિવિધ શહેરોમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. હાલ રાજકોટથી દ્વારકા સુધીના હાઈવે પર દરેક માર્ગ પર પદયાત્રીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. ભક્તો ‘જય રણછોડ’ના ગુંજતા નાદ સાથે કૃષ્ણભક્તિમાં લીન બની દ્વારકાધીશના દર્શનાર્થે આગળ વધી રહ્યા છે.

- Advertisement -

ફુલડોલ ઉત્સવનું વિશેષ મહત્વ
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે, પરંતુ હોળી અને ફુલડોલ ઉત્સવનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. કહેવાય છે કે કૃષ્ણ અને હોળીનો પ્રાચીન સંબંધ છે, તેથી ભક્તો ભગવાન સાથે પ્રતિકાત્મક હોળી રમવા અને ફુલડોલ ઉત્સવના દર્શન કરવા ઉત્સાહપૂર્વક દ્વારકા પહોંચે છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે પણ યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે.

- Advertisement -

પદયાત્રીઓની અવિરત ભક્તિ યાત્રા
છેલ્લા કેટલાય દિવસોથી દ્વારકા તરફ જતાં માર્ગો પર ભક્તોનો ઘોડાપુર જોવા મળી રહ્યો છે. અનેક શ્રદ્ધાળુઓ 200થી 500 કિમી અથવા તેથી વધુ અંતર પગપાળા કાપીને દ્વારકા પહોંચે છે. આઠ વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ સુધીના ભક્તો કૃષ્ણભક્તિમાં રંગાઈને યાત્રા કરી રહ્યા છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા 80 વર્ષીય એક વૃદ્ધા છેલ્લા છ વર્ષથી સતત પગપાળા દ્વારકા જઈ રહ્યા છે. રસ્તાભરમાં ‘જય રણછોડ’ અને ‘માખણચોર’ના નાદ સાથે ભક્તો રાસ રમતા, નાચતા અને ભક્તિમય વાતાવરણ સર્જતા આગળ વધી રહ્યા છે.

- Advertisement -

સંઘબદ્ધ પદયાત્રા અને માનતાનો નિર્વાહ
દર વર્ષે અનેક પદયાત્રા સંઘો સંગઠિત રીતે દ્વારકા તરફ પ્રસ્થાન કરે છે. કેટલાક શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા યાત્રા કરે છે, તો કેટલાક દર વર્ષે નિયમિત રીતે પદયાત્રા કરવાનો સંકલ્પ રાખે છે. રાજ્યના વિવિધ શહેરોમાંથી સંઘો ધ્વજ અને ડીજેના તાલ સાથે ભક્તિમય માહોલમાં યાત્રા આગળ ધપાવે છે.

સેવા કેમ્પો: ભક્તો માટે આશીર્વાદ સમાન વ્યવસ્થા
હાઈવે પર અનેક સેવાકીય કેમ્પો કાર્યરત બન્યા છે. સ્વૈચ્છિક સંસ્થા, સ્વયંસેવક સંસ્થાઓ, યુવક મંડળો, ખાનગી કંપનીઓ, સરકારી વિવિધ વિભાગો અને સ્થાનિક આગેવાનો તેજ હાઈવે પર આવતી ગામના સ્વયંસેવકો દ્વારા પદયાત્રીઓ માટે પાણી, ભોજન, નાસ્તો, ચા, ફળ, ઠંડા પીણા તેમજ આરામ માટે બેઠક અને સુવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઉપરાંત મેડિકલ સેવા, પગની સારવાર અને જરૂરી દવાઓ પણ આપવામાં આવે છે. કેટલાક કેમ્પોમાં પદયાત્રીઓના સામાન પર રિફ્લેક્ટર લગાડવાની સેવા પણ આપવામાં આવે છે જેથી રાત્રિના સમયમાં સુરક્ષા જળવાઈ રહે. આ ઉપરાંત મોબાઇલ ચાર્જિંગ જેવી તમામ સેવા પદયાત્રીઓ મળે છે.

વાહનચાલકોને સાવચેતીની અપીલ
હોળી અને પૂનમ સુધી રાજકોટથી દ્વારકા હાઈવે પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળતા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારે યાત્રાળુઓ વધુ પ્રમાણમાં ચાલતા હોવાથી અકસ્માત ન બને તે માટે એક તરફ સંભાળી વાહન હાંકવાની અપીલ કરવામાં આવી છે.
દ્વારકાની ધરતી પર હોળી નિમિત્તે ઉમટતી આ ભક્તિની ગંગા માત્ર ધાર્મિક ભાવનાનું પ્રતિક નથી, પરંતુ શ્રદ્ધા, સંકલ્પ અને સેવા ભાવનાનો અનોખો મેળાપ પણ છે. લાખો ભક્તોના પગલાં સાથે ગુંજતો ‘જય રણછોડ’નો નાદ સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular