જામનગર શહેરમાં કોલેરાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. શહેરના ધરારનગર વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી કોલેરાના એક બાદ એક કેસ સામે આવી રહ્યા છે. તાજેતરમાં વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા વિસ્તારમાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.
માહિતી મુજબ અત્યાર સુધી કુલ 23 કોલેરાના કેસ નોંધાયા છે. કોલેરાગ્રસ્ત વિસ્તારમાં 4 વર્ષીય બાળકીને કોલેરા પોઝિટિવ નોંધાયો. સતત વધી રહેલા કેસોને પગલે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ, દવા છંટકાવ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પીવાના પાણીના નમૂનાઓ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોને ઉકાળેલું પાણી પીવા, સ્વચ્છતા જાળવવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.


