22 એપ્રિલ 2025ના દિવસે પહલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના ભોગ લેવાયાની ઘટનામાં મૃત્યુ પામેલા ભારતીયોને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જામનગરની રિદ્ધિ શેઠ દ્વારા “શૌર્ય One Nation, One Flame” શીર્ષક હેઠળ 5×3 ફુટની હાઇપર રિયલસ્ટીક રંગોળી બનાવવામાં આવી છે. આ માત્ર રંગોળી જ નહીં, પરંતુ રાષ્ટ્રપ્રેમની અગ્નિનો સમાવેશ કરતો આતંકવાદવિરોધી પહેલ છે. રિદ્ધિ શેઠ દ્વારા બનાવવામાં આવેલી ‘શૌર્ય’ રંગોળીમાં પીડિત મહિલા પરિવારોનું પ્રતિક છે. હુમલામાં પોતાના પ્રિયજનોને તથા ‘સિંદુર’ ગૂમાવનાર મહિલાની આંખમાં ડર, શૂન્યતા અને એક ઊંડી વેદના છલકાય છે. જે રાષ્ટ્રની સામૂહિક પીડાને વ્યક્ત કરે છે. જ્યારે જમણી બાજુ ભારતીય સૈનિકનો ક્રોધિત ચહેરો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. જે ભારતીય સશસ્ત્ર દળોના અડગ સંકલ્પ અને ક્રોધનું પ્રતિક છે. સૈનિકની આંખોમાં ન્યાયની તિવ્ર ઝંખના અને રાષ્ટ્રના અપમાનનો બદલો લેવાની અડગ ભાવના સ્પષ્ટ નજરે ચઢે છે. તે દરેક ભારતીયોના હૃદયમાં જાગેલી રોષની જ્વાળાઓ દર્શાવે છે. તેમજ કેન્દ્રમાં ગર્જના કરતાં ભારતીય ત્રિરંગા ધ્વજની પૃષ્ઠભૂમિ પર ગગનભેદી અવાજ કરતાં ફાઇટર જેટ્સ ઉડી રહ્યાં છે. આ ફાઇટર જેટ કોઇપણ કિંમતે આતંકવાદી હુમલાનો બદલો લેવાના ભારતના અતૂટ સંકલ્પ અને શકિતનું પ્રતિક છે.
રાષ્ટ્રપ્રેમને દિવાળીના પાવન પર્વમાં રંગોળી દ્વારા બલિદાન અને રાષ્ટ્રીય સંકલ્પની ગાથા શૌર્યના શીર્ષક હેઠળ રજૂ કરતી રિદ્ધિ શેઠની આ રંગોળી તા. 18 ઓક્ટોબર 2025ના ધનતેરસના દિવસથી લગભગ એક મહિના સુધી શ્રીપતિ એપાર્ટમેન્ટ, સનસાઇન સ્કૂલની પાછળ, વાલકેશ્ર્વરીનગરી, જામનગર ખાતે લોકો નિહાળી શકશે. આ શૌર્યગાથાનું ઇનોગ્રેશન બ્રિગેડિયર અજીશ જોસેફ (સીડીઆર સિંધ વિજેતા બ્રિગેડ) અને મિસિસ કાર્લોન કેરોલિન અજીશ (ચેરપર્સન, સિંધ એફ.ડબલ્યુ.ઓ.) દ્વારા કરવામાં આવશે.
ઓપરેશન સિંદુર માત્ર એક સૈનિક કાર્યવાહી ન હતી. પરંતુ રાષ્ટ્રના ક્રોધ અને ન્યાયની માંગનો પડઘો હતો. તિરંગો ધ્વજ જે આપણાં દેશનું ગૌરવ છે. તે દર્શાવે છે કે, આ હુમલાથી ભારતની એકતા અને ગૌરવ અખંડ છે. ભારત કયારેય પણ આતંકવાદ સામે ઝુકશે નહીં.
શૌર્યગાથાની આ રંગોળીના રંગોના કણ કણમાં રિદ્ધિ શેઠ દ્વારા ભારતની ધરતીની માટી, બલિદાનનું લોહી અને રાષ્ટ્રપ્રેમની અગ્નિનો સમાવેશ કરવામાઁ આવ્યો છે. તેમજ ઊંડી સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે, આ કલાકૃતિ દ્વારા આપતા વીર જવાનોના શૌર્ય અને આપણાં રાષ્ટ્રની અદમ્ય ભાવનાને યાદ રાખશું તેમજ જામનગરની જનતાને આ શૌર્યગાથા નિહાળવા જનતાને અપીલ કરવામાં આવી હતી.


