કાલાવડ તાલુકાના ટોડા ગામમાં પાટીવાળી સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા 3 મહિલા સહિત 7 શખ્સોને કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રૂા. 37,430ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જામનગરના ભાનુશાળીવાડમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા બે શખ્સને રૂા. 10,050ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં જાહેરમાં વર્લી-મટકાના આંકડા લખતા શખ્સને રૂપિયા 9150ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના ટોડા ગામની પાટીવાળી સીમમાં ખેતરના શેઢે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રેઇડ દરમ્યાન યોગરાજસિંહ કુંવરસિંહ જાડેજા, હઠુભા પ્રદ્યુમનસિંહ જાડેજા, દીપક અમુ મકવાણા, જીતેન્દ્ર ઘેલા બથવાર અને 3 મહિલા સહિત કુલ સાત શખ્સોને રૂા. 11,930ની રોકડ રકમ અને રૂા. 25,500ની કિંમતના 6 નંગ મોબાઇલ મળી કુલ રૂા. 37,430ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર શહેરના ભાનુશાળીવાડ કામદાર શેરીમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન અશોક ઉર્ફે ઢોલકી બચુ હરવરા અને મોહન નાનજી મંગે નામના બે શખ્સને ઘોડીપાસાનો જુગાર રમતા ઝડપી લઇ તેમની પાસેથી ઘોડીપાસાના બે નંગ અને રૂા. 10,050ની રોકડ રકમ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હાર-જિત કરતાં અતુલ જેન્તી મહેતા નામના પ્રૌઢ શખ્સને કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રૂા. 4150ની રોકડ અને રૂા. 5 હજારની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂા. 9150ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.