ઐતિહાસિક ભુચરમોરીના મેદાનમાં આજે શ્રાવણ વદ સાતમના જામનગર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા શ્રઘ્ધાજંલી કાર્યક્રમ, તલવારબાજી, અશ્વદોડ , સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યના શિક્ષણમંત્રી, ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ભૂચરમોરીના ઐતિહાસીક મેદાનમાં શહીદોને શ્રઘ્ધાજંલી આપવાનો કાર્યકમ યોજાયો હતો. શિતળા સાતમના પવિત્ર દિવસે શહીદ શ્રઘ્ધાજંલી કાર્યકમ દર વર્ષે યોજાય છે. જામનગરના ધ્રોલ નજીક આવેલા ભૂચરમોરીના મેદાન પર આજથી સવા ચારસો વર્ષ પહેલા અકબરની સેના સાથે જામસેનાનું ભીષણ યુધ્ધ ખેલાયું હતું. આ યુધ્ધમાં નવાનગરના યુવરાજ સહિત હજ્જારો સૈનિકો મોતને ભેંટ્યા હતા.જેઓની યાદમાં જામનગર જિલ્લાના રાજપૂત સમાજ દ્રારા દર વર્ષે અહીં શ્રાવણ વદ સાતમના દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવે છે. આ પ્રસંગે અહીં અશ્વદોડ અને તલવારબાજી જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવે છે.
રાજપૂતો પોતાના આશરે આવેલા કોઈપણ વ્યકિતની રક્ષા કરતાં હોય છે અને પોતાનો આશરાધર્મ નિભાવતા હોય છે. આજથી સવા ચારસો વર્ષ પહેલા જામનગર રાજવી જામ સત્તાજીએ પણ આશરાધર્મ નિભાવવા માટે અકબરની સેના સામે બાથ ભીડી હતી.વાત એવી હતી કે, ગુજરાતનો છેલ્લો બાદશાહ મુઝફ્ફરશાહ ત્રીજો અકબરની નારજગી વ્હોરી જામ રાજવીના શરણે આવ્યો હતો.જેની જાણ અકબરને થતાં મુઝફ્ફરશાહને સોંપી દેવા જામસત્તાજીને કહેવાયું હતું. પરંતુ, જામસત્તાજીએ આશરાધર્મ નિભાવી અકબરને ઈન્કાર કરી દીધો હતો.જેના કારણે ભૂચરમોરી મેદાન પાસે અકબર સેના અને જામ સેના વચ્ચે ભીષણ યુધ્ધ ખેલાયું હતું. આ યુદ્ધમાં જામસેનાની હાર થઈ હતી અને યુધ્ધમાં નવાનગરના યુવરાજ કુંવર અજોજી અને હજ્જારો સૈનિકો કામ આવ્યા હતા. જેઓના પારિયા હાલ ભૂચરમોરી મેદાનમાં મૌજૂદ છે તેઓને આજના દિવસે ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી.
View this post on Instagram
રાજપૂતો દ્રારા છેલ્લા ધણા વર્ષોથી અહીં શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામા આવે છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, જામનગર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા શ્રઘ્ધાજંલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અહીં તલવારબાજી અને ઘોડાદોડ જેવી રમતોનું પણ આયોજન થયુ હતું. તલવારબાજીમાં યુવકોની સાથે સાથે યુવતીઓ પણ હાથ અજમાવે છે. ભૂચરમોરીના મેદાન પર તલવારબાજીમાં ભાગ લેવા માટે યુવતીઓ ખાસ તૈયારી કરે છે અને અહીં તલવારબાજી કરી ગર્વની લાગણી અનુભવે છે.
આ તકે રાજ્યના શિક્ષણ મંત્રી અને જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, પૂર્વ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા સહિતના અગ્રણીઓ, રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


