જામનગર શહેરના હર્ષદમીલની ચાલી પાછળના વિસ્તારમાં રહેતાં રીક્ષાચાલકે હાથ ઉછીના આપેલા પૈસા બાબતે ગત રાત્રિના પૈસા લેવા બોલાવ્યો હતો. તે દરમિયાન બોલાચાલી અને માથાકૂટ થતા પિતા-પુત્રએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મુળ કાલાવડ તાલુકાના ચેલાબેડી ગામના વતની અને હાલ હર્ષદમીલની ચાલી પાછળ આવેલી સંસ્કાર સ્કૂલ સામે આવેલા પટેલનગર શેરી નંબર-3 માં રહેતાં શબીર ઉર્ફે સદામ ઈકબાલ થૈયમ નામના રીક્ષા ચલાવતા યુવાને જયરાજસિંહને હાથ ઉછીના પૈસા આપ્યા હતાં અને આ પૈસા લેવા માટે સોમવારે રાત્રિના સમયે જડેશ્વર ચાર રરસ્તા પાસે બોલાવ્યો હતો. ત્યાં જયરાજસિંહના સંબંધી ધર્મેન્દ્રસિંહ પ્રફુલ્લસિંહ ચૌહાણ સાથે બોલાચાલી અને માથાકૂટ થતા ધર્મેન્દ્રસિંહના પુત્ર નિરંજનસિંહ ચૌહાણે ઉશ્કેરાઈ જઇને શબીરના ગળામાં અને છાતીમાં છરીના બે જીવલેણ ઘા ઝીંકી દીધા હતાં. જીવલેણ હુમલામાં લોહી લુહાણ થઈ શબીર ઢળી પડયો હતો. ત્યારબાદ શબીરને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
હુમલાનો બનાવ હત્યામાં પલ્ટાો હતો. બનાવની જાણ થતા ઈન્ચાર્જ પીઆઈ પી પી ઝા તથા સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકની પત્ની અકશાબેન શબીર થૈયમ નામની મહિલાના નિવેદનના આધારે પિતા-પુત્ર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.