પીજીવીસીએલ દ્વારા સપ્તાહના પ્રારંભે વીજ ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારો અને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પીજીવીસીએલ દ્વારા 92 વીજ જોડાણોમાંથી ગેરરીતિ ઝડપી લઇ રૂપિય 44.60 લાખની વીજ ચોરી અંગેના પુરવણી બિલો ફટકારવામાં આવ્યા હતા.
વીજ ચોરીના દુષણને ડામવા પીજીવીસીએલ દ્વારા વિરામ બાદ ફરી એકવખત વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. અધિક્ષક ઇજનેરના માર્ગદર્શન અને સૂચના હેઠળ પીજીવીસીએલની 42 જેટલી ટીમો દ્વારા 34 લોકલ પોલીસ અને 11 એસઆરપી જવાનો સાથે સપ્તાહના પ્રારંભે સોમવારથી વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર શહેરના રામેશ્ર્વરનગર, ક્રિષ્ના પાર્ક, માટેલ ચોક, નિલકમલ સોસાયટી, ધરારનગર, વુલનમિલ સહિતના વિસ્તારો ઉપરાંત જામનગર તાલુકાના ઠેબા, મોટાથાવરીયા, નાના થાવરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારો, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા,ધતુરીયા સહિતના કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન કુલ 506 જેટલા વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 92 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા. 44.60 લાખની વીજચોરી ઝડપી કાયેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.