જામનગર શહેરના ન્યુ ઇન્દિરા કોલોની વિસ્તારમાં છાસ લેવા ગયેલા યુવક ઉપર ચાર જેટલા શખ્સોએ બોલાચાલી કરી છરીના આડેધડ ઘા ઝિંકી દેતાં યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા હત્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ હત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ન્યુ ઈન્દિરા કોલોની, રોહિદાસ ચોક, એરફોર્સ રોડ પરના વિસ્તારમાં રહેતાં જયંતીભાઇ ટપુભાઇ વાઘેલા નામના આધેડનો પુત્ર કરણ જેન્તીભાઇ વાઘેલા (ઉ.વ.20) નામનો યુવક ગત્રાત્રિના નવ વાગ્યાના અરસામાં તેના ઘરેથી છાસ લેવા માટે ગયો હતો. તે દરમ્યાન ઘર નજીક જ ઝીણો સુરેશ વશરા અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સો ધસી આવ્યા હતા અને કરણ સાથે કોઇ કારણસર બોલાચાલી અને રકઝક થતાં ઝીણાએ છરીના આડેધડ ઘા કરણના શરીરમાં ઝિંકયા હતા. અચાનક છરી વડે હુમલો થતાં કરણ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. ત્યારબા હુમલાખોરો પલાયન થઇ ગયા હતા. બાદમાં યુવકને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
View this post on Instagram
શહેરમાં બનેલી હત્યાની ઘટનાની જાણ થતાં ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા ઇન્ચાર્જ પીઆઇ આઇ.એ.ધાસુરા તથા સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે તથા હોસ્પિટલે દોડી ગયો હતો. જ્યાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઘટનાસ્થળેથી હુમલાના સીસીટીવી ફુટેજ કબ્જે કર્યા હતા અને હત્યાના બનાવમાં મૃતક યુવકના પિતા જેન્તીભાઇના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનિય છે કે, શહેરમાં એક પછી એક હત્યાના બનાવથી શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે તેમજ જાહેરમાં થતાં હુમલાના બનાવો પણ ચિંતાજનક રીતે વધી ગયા છે. ત્યારે પોલીસ અધિક્ષક દ્વારા શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બની ગયા છે.


